વલસાડ જિલ્લાના વાપી પંથકમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. વાપીના છીરી વિસ્તારમાં આવેલી રામનગરમાં સાઈ રેસિડેન્સી પાસે રસ્તા પર રમી રહેલા એક નિર્દોષ બાળકને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા કારચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈને દોડ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર હૃદયદ્રાવક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
આ ગઝબની લાપરવાહી અને અકસ્માતની આખી ઘટના નજીકમાં જ લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક રસ્તા પર રમી રહ્યો હતો અને અચાનક પૂરઝડપે આવેલી કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ નિર્દય કારચાલક વાહન રોકવાને બદલે ઘટનાસ્થળેથી પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી સામે આવ્યા બાદ સ્થાનિક રહીશોમાં કારચાલક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોમાં આક્રોશ ફેલાયો છે.
