વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં એક દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મોડી સાંજે વાપીની રાતા ખાડીમાં 3થી 4 મિત્રોનો એક સમૂહ નાહવા માટે ગયો હતો. આ દરમિયાન ખાડીમાં પાણીનું વહેણ અચાનક ખૂબ વધી ગયું હતું. પાણીનો પ્રવાહ ઝડપી બનતા વાપીના છીરી વિસ્તારમાં રહેતો દીપક પાંડે નામનો યુવક પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો. તેની સાથે આવેલા અન્ય મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીના ભારે વેગ સામે તેઓ નિષ્ફળ રહ્યા હતા.
ઘટનાસ્થળે પોલીસ અને ફાયર ટીમનો કાફલો
ઘટના બની તે સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ત્વરિત ધોરણે વાપી મહાનગરપાલિકાના ફાયર વિભાગને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ વાપી મનપાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. રાતા ખાડીના ઊંડા અને વહેતા પાણીમાં ગુમ થયેલા દીપક પાંડેની શોધખોળ કરવા માટે ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
