વાવ અને થરાદ વિસ્તારમાં ભારતીય મજૂર સંઘના નેતૃત્વ હેઠળ તમામ મજૂર સંગઠનો દ્વારા એક થઈને એક વિશાળ આંદોલન અને વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મધ્યાહન ભોજન યોજનાની બહેનો, આશા વર્કર્સ, આંગણવાડી તેડાઘર બહેનો, એસટી નિગમના યુનિયનો તેમજ રિક્ષા એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વર્ષોથી માનદ વેતન જ અપાતાં ભારે રોષ
આંદોલનકારીઓએ પોતાની લાંબા સમયની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આટલા વર્ષોથી સેવાઓ આપવા છતાં તેઓને માત્ર માનદ વેતન પર જ રાખવામાં આવ્યા છે. સરકારે આજદિન સુધી આ કર્મચારીઓને કાયમી કરવાની કે લઘુતમ પગાર ધોરણ આપવાની કોઈ વ્યાજબી નીતિ અમલી બનાવી નથી. વર્ષોથી વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હોવાથી કર્મચારીઓમાં ભારે આક્રોશ છે.

ઝારખંડ બેઠકના ઠરાવ મુજબ દેશવ્યાપી વિરોધ
આ આંદોલનની પૃષ્ઠભૂમિ અંગે જણાવતા આગેવાનોએ કહ્યું કે, ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી અખિલ ભારતીય મજૂર સંઘની રાષ્ટ્રીય બેઠકમાં દેશવ્યાપી આંદોલન કરવાનો મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તે જ નિર્ણયના ભાગરૂપે ઓગસ્ટ 17 ના રોજ દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ઉગ્ર આંદોલનની ચીમકી
રેલીના અંતે વાવ-થરાદ મજૂર સંઘના પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. સંગઠનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો સરકાર દ્વારા તેમની વ્યાજબી માંગણીઓ સત્વરે સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવામાં આવશે.

આ પણ વાંચો - Palanpur: બનાસકાંઠા અને વાવ-થરાદના CNG પંપધારકોની કંપનીને આખરી ચીમકી