થરાદમાં આવેલા ભોરલ ગામની દૂધ મંડળી છેલ્લા 9 દિવસથી બંધ રહેતાં સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગયા છે. દૂધ મંડળીના મંત્રી, ચેરમેન સહિતના જવાબદાર હોદ્દેદારોએ અચાનક પોતાના હોદ્દા પરથી રાજીનામા ધરી દેતાં મંડળીનું તમામ સંચાલન અને દૂધ સ્વીકારવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. ભોરલ મંડળીમાં સામાન્ય દિવસોમાં દરરોજ આશરે 3,000થી 4,000 લિટર દૂધની આવક નોંધાતી હતી.

Vav-Tharad: Cattle herders of Bhoral village on the verge of disaster

દૂધ ન સ્વીકારાતાં 500થી 600 પશુપાલકો પાયમાલીના આરે

મંડળી તાળાબંધીની સ્થિતિમાં આવી જતાં ગામના 500થી 600 જેટલા દૂધ ઉત્પાદકો અને પશુપાલકો ભારે વિટંબણામાં મુકાયા છે. હાલમાં એક તરફ મોંઘા પશુદાણ અને ઘાસચારાના ભાવ વધારાનો માર પડી રહ્યો છે, ત્યારે દરરોજ ભેગું થતું હજારો લિટર દૂધ ન વેચાતાં પશુપાલકોના દૈનિક આજીવિકાના સાધન પર સીધો ફટકો પડ્યો છે. દૂધ ભરાવવા માટે પશુપાલકોને પોતાના વાહનોમાં આસપાસના અન્ય ગામોની મંડળીઓમાં ધક્કા ખાવાની નોબત આવી છે.

Vav-Tharad: Cattle herders of Bhoral village on the verge of disaster

તંત્ર પાસે મંડળી તાત્કાલિક શરૂ કરવાની માંગ

દૂધ બગડી જવાની અને આર્થિક નુકસાન વેઠવાની ભીતિ વચ્ચે ભોરલ ગામના પશુપાલકો અને ગ્રામજનોએ બનાસ ડેરી નિયામક મંડળ તથા જિલ્લા સહકારી તંત્ર સમક્ષ અપીલ કરી છે. પશુપાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે મંડળીનો વહીવટ સુપ્રત કરી નવા સંચાલકોની નિમણૂંક કરવામાં આવે અને બંધ પડેલી દૂધ મંડળી પુનઃ શરૂ કરીને 500થી વધુ પશુપાલકોની રોજીરોટીનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો