વાવ થરાદ વિસ્તારના લાખણી તાલુકામાં નવા બની રહેલા માર્ગોની નબળી ગુણવત્તા અને કામગીરી સામે સ્થાનિક રહીશો તથા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આગથળા-ધુણસોલ-ધાનેરા રોડ પર કરવામાં આવેલી કામગીરીને લઈને તંત્ર અને કોન્ટ્રાક્ટરની નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.નવા બનેલા રોડ પર અચાનક ફરીથી ડામરનો છંટકાવ કરવામાં આવતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વાવ થરાદના લાખણીમાં રોડની કામગીરી નબળી
ચાર દિવસ પહેલાં જ આ માર્ગ પર મોટા પ્રમાણમાં ડામરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.રોડ પરથી પસાર થતાં નાનાં-મોટાં વાહનો પર આ ડામર ઉડીને ચોંટી રહ્યો છે.જેના કારણે વાહનોના કલર અને બોડીને મોટું નુકસાન થવાનો ભય વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે.કાળઝાળ ગરમી અને ડામરના થરને કારણે દ્વિચક્રી વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે.સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ રોડના નિર્માણકાર્ય સામે આકરા આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, શરૂઆતથી જ આ રોડની કામગીરી અત્યંત હલકી ગુણવત્તાની કરવામાં આવી છે.
