વાવ-થરાદ પંથકમાંથી દેશભક્તિ અને ઉત્સાહને ઉજાગર કરતા અત્યંત પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા સુપ્રસિદ્ધ નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે આ વર્ષે દિવાળીનો તહેવાર બહુ જ ખાસ અને ભાવનાત્મક રીતે મનાવવામાં આવ્યો હતો. પોતાના પરિવારથી દૂર રહીને દેશની સરહદોની અખંડ સુરક્ષા કરતા વીર જવાનો સાથે પ્રકાશના પર્વની ઉજવણી કરવા માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા ખાસ સરહદ પર પહોંચ્યા હતા.
પોલીસ વડા ચિંતન તેરૈયા પહોંચ્યા સરહદના પ્રહરીઓ વચ્ચે
દિવાળીના પવિત્ર અવસરે કોઈ પણ જવાન પોતાના પરિવારથી વંચિત ન રહે અને તેમને પણ તહેવારની ખુશી મળે તે હેતુથી જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા નડાબેટ સરહદ પર તૈનાત જવાનો વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ત્યાં ફરજ બજાવતા જવાનોને પોતાના હસ્તે મીઠાઈ ખવડાવી હતી અને હૂંફાળી આલિંગન આપીને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ વડાની આ અણધારી મુલાકાત અને સન્માનથી સરહદના પ્રહરીઓ અને સૈનિકોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
