બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલી ઢીમાની શ્રી સંસ્કાર વિદ્યાલયમાં વરસાદ પડતાં જ પાણી ભરાવાની વિકટ સમસ્યા સર્જાઈ છે. વર્ષ 2015, 2017, 2023 અને વર્તમાન વર્ષ 2026માં પણ સામાન્ય વરસાદમાં શાળા પરિસર જળબંબાકાર થઈ ગયું છે. છેલ્લા 9 વર્ષથી ચાલી આવતી આ ગંભીર સમસ્યાનો તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી નિવેડો લાવવામાં આવ્યો નથી, જેના કારણે શાળાના અસ્તિત્વ અને સંચાલન સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે.

બાળકોના અભ્યાસ અને રમત-ગમત પર અસર

શાળાના મેદાન અને શૌચાલયોમાં પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શૌચાલયનો ઉપયોગ ન થઈ શકવા ઉપરાંત શાળામાં ચાલી રહેલા રમત-ઉત્સવોની પૂર્વ તૈયારીઓ પણ ખોરવાઈ ગઈ છે. પરિસરમાં ભરાયેલા ગંદા પાણીના કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધતાં વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી વિપરીત અસર બાળકોના સ્વાસ્થ્ય અને અભ્યાસ પર પડી રહી છે.

તંત્ર સામે આક્રોશ વચ્ચે તાત્કાલિક નિકાલનો દાવો

શાળાના સ્ટાફ અને સંચાલકો દ્વારા અગાઉ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી શાળા પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ, મામલો ગરમાતાં તંત્ર દ્વારા શાળા પરિસરમાંથી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો