વાવ-થરાદ જિલ્લામાં શિક્ષક દિવસના પવિત્ર દિવસે જ સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીંની એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની માસૂમ વિદ્યાર્થીની સાથે શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.જે શિક્ષકને સમાજમાં માર્ગદર્શક અને પિતાતુલ્ય માનવામાં આવે છે તે જ આચાર્યના આ કૃત્યથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.
દૈયપ ગામમાં આવેલી માધ્યમિક શાળામાં બનાવ બન્યો
મળતી વિગતો અનુસાર,આ શરમજનક ઘટના વાવ-થરાદ વિસ્તારના દૈયપ ગામમાં આવેલી માધ્યમિક શાળામાં બનવા પામી છે.શાળાના આચાર્ય મનીષ પરમાર સામે આરોપ છે કે તેમણે શાળાની ઓફિસમાં જ સગીરાના ભોળપણનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ અમાનવીય કૃત્ય આચર્યા બાદ આચાર્ય દ્વારા પીડિત સગીરાને ધમકી આપવામાં આવી હતી કે જો આ ઘટના અંગે તે કોઈને પણ જાણ કરશે અથવા મોં ખોલશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.આચાર્યની ધમકીથી ડરેલી સગીરાએ હિંમત ભેગી કરીને આખરે સમગ્ર આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી.આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ કાનૂની કાર્યવાહી કરવા માવસરી પોલીસ મથકે પહોંચ્યા હતા.
