બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. થરાદ શહેરમાં બે દિવસના વિરામ બાદ આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. બપોર બાદ આકાશ કાળાડિબંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.
ગરમી અને બફારામાંથી લોકોને મળી રાહત
છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા તાપમાન અને અસહ્ય ઉકળાટ-બફારાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વરસાદનું આગમન થતાં જ સમગ્ર થરાદ પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. ધીમી ધારે પડી રહેલા વરસાદી ઝાપટાંના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે.

