વાવ-થરાદ પંથકમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં છેલ્લા ત્રણ દિવસની અંદર બે 18 વર્ષના યુવકોની હત્યાના બનાવો બનતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. તાજેતરમાં જ વાવમાં રહેતા 18 વર્ષીય અશોક ઠાકોર નામના યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક અશોક ઠાકોરના આરોપી મહેશ ઠાકોરની બહેન સાથે પ્રેમસંબંધો હોવાને કારણે આ ખૌફનાક કાવતરું રચવામાં આવ્યું હતું.
હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશ ઠાકોર અને તેના મિત્ર કિરણ ઠાકોરે મળીને અશોક ઠાકોરની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓએ અશોકને દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી, જેનાથી તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાના કુટિલ ઇરાદે મૃતકના જ શર્ટથી ખેતરમાં આવેલા એક મકાનમાં તેના શબને લટકાવી દેવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
