બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા વાવ અને થરાદ પંથકના ખેડૂતો માટે અત્યંત આનંદ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિસ્તારમાં વરસાદ ખેંચાવાના કારણે ચોમાસૂ પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા નિગમ દ્વારા વાવ-થરાદ પંથકની મુખ્ય પાંચ બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. મુખ્ય કેનાલોમાં પાણી છોડાતાં જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.

સુકાઈ રહેલા ચોમાસૂ પાકને મળશે નવું જીવતદાન

ચાલુ ચોમાસાની ઋતુમાં લાંબા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વાવ અને થરાદ તાલુકાના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. વાવેતર કરેલો મોંઘાભાવનો ચોમાસૂ પાક પાણી વગર મુરઝાઈ રહ્યો હતો. તેવા કટોકટીના સમયે જ નર્મદા કેનાલોમાં પાણી વહેવડાવવામાં આવતાં ખેડૂતોના મુરઝાયેલા પાકને નવું જીવતદાન મળ્યું છે. પાણી પહોંચતાં જ ખેડૂતોએ સિંચાઈની કામગીરી શરૂ કરી દીધી છે, જેથી વાવેતર કરેલા પાકને મોટું રક્ષણ મળશે.

ખેડૂત આલમમાં ખુશાલી અને તંત્રનો આભાર

સિંચાઈ માટે કેનાલોમાં નર્મદાના નીર વહેતા થતાં ખેડૂત આલમમાં હરખની હેલી છવાઈ ગઈ છે. સરહદી પંથકના ખેડૂતોએ સરકાર અને નર્મદા નિગમના આ યોગ્ય સમયે લેવાયેલા નિર્ણયને આવકાર્યો છે. ચોમાસૂ પાક બચી જવાની આશા જાગતાં જ ખેડૂતોમાં ઉત્સાહનો વાતાવરણ સર્જાયું છે અને તેમણે રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો