વેરાવળના જાલેશ્વર દરિયા કિનારે બે યુવતીઓ પોતાના પિતરાઈ ભાઈ સાથે જાલેશ્વર ખાતે આવેલા રામદેવજી મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. પવિત્ર મંદિરમાં દર્શન કર્યા બાદ ત્રણેય ભાઈ-બહેનો દરિયા કિનારે ફરવા અને સમય વિતાવવા માટે ગયા હતા. આ દરમિયાન દરિયા કિનારે ઉભા રહીને કુદરતી સૌંદર્ય માણી રહ્યા હતા ત્યારે જ કાળમુખો પ્રવાહ ત્રાટક્યો હતો. ચોમાસાની ઋતુને કારણે દરિયામાં ભારે કરંટ હતો અને અચાનક એક મોટું અને શક્તિશાળી મોજું આવતા એક યુવતી દરિયાના ઊંડા પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી હતી.
દરિયાના ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ
બહેનને મોજાના પ્રવાહમાં તણાતી જોઈને બીજી બહેન તેને બચાવવા માટે આગળ વધી હતી. પરંતુ તેને બચાવવાના પ્રયાસમાં આ બીજી યુવતી પણ દરિયાના પાણીમાં ફસાઈ ગઈ હતી અને જોતજોતામાં બંને યુવતીઓ ઊંડા પાણીમાં તણાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને કિનારે ઉભેલા લોકોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. દરિયા કિનારે હાજર સ્થાનિક ખમીરવંતા લોકો અને માછીમારોએ પોતાની જાનના જોખમે તાત્કાલિક દરિયાના પાણીમાં ઝંપલાવ્યું હતું અને ભારે જહેમત બાદ બંને યુવતીઓને પાણીમાંથી સહીસલામત બહાર કાઢી હતી.
