અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં વન્યજીવની પજવણીનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક અજાણ્યો બાઇક ચાલક રસ્તા પર જઈ રહેલા ઝરખ (Striped Hyena) નો પીછો કરતો અને તેને હેરાન-પરેશાન કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. વન્યજીવની પજવણીની આ ઘટના વિરમગામ તાલુકાના વડગાસ અને ગોરૈયા ગામ વચ્ચેના માર્ગ પર બની હોવાનું સામે આવ્યું છે.
કાંકરાવાડી સહિત આસપાસના સીમ વિસ્તારમાં ઝરખની હાજરી
ઉલ્લેખનીય છે કે, વિરમગામ પંથકના સીમ વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો દેખા દેતા હોય છે. થોડા દિવસો અગાઉ જ કાંકરાવાડી ગામ તેમજ આસપાસના સમગ્ર પંથકમાં ઝરખ દેખાયા હોવાના અહેવાલો મળ્યા હતા. વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરખની અવરજવર વધતાં સ્થાનિકોમાં એક તરફ કૂતુહલ તો બીજી તરફ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
