દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે ખાનગી વીજ કંપનીની મનસ્વી કામગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામની કિંમતી ગૌચર તેમજ ગૌશાળાની જમીન પર ગ્રામ પંચાયતની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ વીજ પોલ ઊભા કરવાની કામગીરી હાથ ધરાતાં સમગ્ર ગ્રામજનો એકજૂથ થઈને વિરોધ નોંધાવવા આગળ આવ્યા છે.ગ્રામજનોનું સ્પષ્ટપણે કહેવું છે કે જ્યાં સુધી પંચાયતની મંજૂરી ન હોય અને નિયમ મુજબ યોગ્ય પ્રક્રિયા ન થાય ત્યાં સુધી આ કામગીરી કોઈપણ સંજોગોમાં આગળ વધવા દેવામાં આવશે નહીં.
વીજ કંપનીની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ
જામ ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે વીજ કંપની અને તેના કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.ગામના અગ્રણીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગામમાં પશુઓ માટે અનામત રાખવામાં આવેલી ગૌચર તેમજ ગૌશાળાની જમીન પર ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરી અચાનક શરૂ કરી દેવામાં આવી હતી. આ જમીન પર વીજ લાઇન પસાર કરવા કે વીજ પોલ ઊભા કરવા અંગે સ્થાનિક ગ્રામ પંચાયત પાસેથી કોઈ સત્તાવાર કે લેખિત પૂર્વ મંજૂરી મેળવવામાં આવી નથી. ગ્રામ પંચાયતની મંજૂરી વિના જ સીધી રીતે ગૌચરની જમીન પર કામગીરી શરૂ કરી દેવાતાં સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી અને આક્રોશની લાગણી વ્યાપી છે. ગ્રામજનોએ એવો પણ ગંભીર દાવો કર્યો છે કે ભૂતકાળમાં ગ્રામ પંચાયત દ્વારા આ સંદર્ભે કરાયેલો ઠરાવ પણ પાછળથી પંચાયત દ્વારા રદ કરી દેવામાં આવ્યો હતો.
