રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિંછીયાના છાછીયા ગામે પ્રેમ પ્રકરણને લગતી અદાવતમાં એક યુવકનું મકાન સળગાવી દેવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતીને હાજર ન કરવાના મામલે રોષે ભરાયેલા શખ્સો ધારીયા અને તલવાર જેવા ઘાતક હથિયારો સજ્જ થઈને અચાનક યુવકના ઘરે ત્રાટક્યા હતા અને મકાનને આગ ચાંપી દીધી હતી. ગઈકાલે રાત્રે બનેલી આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો માહોલ ફેલાઈ ગયો હતો.
વિંછીયા પોલીસની સરાહનીય કામગીરી: તમામ આરોપીઓ ઝડપાયા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિંછીયા પોલીસે ત્વરિત પગલાં લીધા હતા અને ભોગ બનનારના પક્ષની ફરિયાદના આધારે કુલ 8 શખ્સો સામે ગુનો નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આઠેય આરોપીઓના નામ નીચે મુજબ છે: 2. હકા રત્ના જોગરાજિયા, 2. રાયધન દેવસી જોગરાજીયા, 3. આશિષ રાયધન જોગરાજીયા, 4. પ્રકાશ ગોરધન જોગરાજીયા, 5. જયંતી સવજી જોગરાજીયા, 6. રસિક સામા જોગરાજીયા, 7. નિલેશ હકા જોગરાજીયા, 8. વળકું જાદવ જોગરાજીયા.
