ગુજરાતના વિરમગામ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. દિવાળીના તહેવાર ટાણે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે થોડી જ વારમાં ખૂની જંગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા બહારના વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારોથી થયેલા આ જીવલેણ હુમલામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

રોડ પર ફટાકડા ફોડવા મુદ્દે સામાન્ય બોલાચાલી વકરી

પ્રાપ્ત વિગતો અનુસાર, વિરમગામ શહેરના ભરવાડી દરવાજા બહારના રોડ પર કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર ફટાકડા ફોડવા બાબતે સામસામે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય બાબત લાગતી આ તકરારે ટૂંક સમયમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વાત એટલી વધી ગઈ કે ઉત્સાહ અને આનંદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો અને આરોપીઓ દ્વારા એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

બે ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા

આ હુમલામાં ગંભીર ઇજાઓ પામેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, બંનેની તબિયત વધુ નાજુક અને ગંભીર જણાતા તબીબો દ્વારા તેમને તાત્કાલિક ધોરણે વધુ અને ઉચ્ચ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

વિરમગામ ટાઉન પોલીસે હાથ ધરી સઘન તપાસ

આ બનાવની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને હુમલો કરનાર શખ્સોની ઓળખ મેળવવાની અને તેમને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે. તહેવારના દિવસોમાં જ આ પ્રકારે હિંસા ફાટી નીકળતા નાગરિકોમાં સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો