અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પડેલા ભારે વરસાદના કારણે માર્ગો પર પાણીના ભયાનક પ્રવાહ વહેતા થયા છે. વિરમગામના બાલાપીર દરગાહ નજીકથી પસાર થઈ રહેલો એક બાઇક સવાર યુવક રોડ પરથી વહેતા વરસાદી પાણીના તીવ્ર પ્રવાહની ઝપેટમાં આવી ગયો હતો. પાણીનો વેગ એટલો ઝડપી હતો કે યુવક પોતાની મોટરસાઇકલ પરથી સંતુલન ગુમાવી બેઠો હતો અને બાઇક સાથે પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
ટ્રક ચાલકની ત્વરિત સૂઝબૂઝથી યુવકનો બચાવ
યુવકને પાણીમાં તણાતો જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રક ચાલકે અદ્ભુત સાહસ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ટ્રક ચાલકે પોતાની સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ગાડી ઊભી રાખી, ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે પહોંચીને તણાતા યુવકને સહીસલામત બહાર ખેંચી લીધો હતો. ટ્રક ચાલકની આ સમયસરની મદદના કારણે યુવકનો આબાદ બચાવ થયો હતો અને એક મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રક ચાલકની આ બહાદુરીની સ્થાનિકો મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે.
