'જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો'ના જીવનમંત્રને સાર્થક કરનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. બાપાની જન્મભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. બાપાનાં દર્શન અને પ્રથમ આરતીનો લાભ લેવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે 1-1 કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

વહેલી સવારે સમાધિ પર પૂજા, પ્રથમ આરતી સાથે દર્શન શરૂ

જલારામ જયંતિના પાવન અવસરે વહેલી સવારે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા તેમની સમાધિ પર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી અને ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.

Jalaram Bapa Jayanti Celebrations in Virpur

વીરપુર નગરીને દુલ્હનની જેમ શણગારાઈ

જન્મજયંતિની ઉજવણીને લઈને સમગ્ર વીરપુર નગરીને આકર્ષક રીતે શણગારવામાં આવી છે. વીરપુરવાસીઓએ ઘરે-ઘરે રંગોળીઓ બનાવી છે અને દરવાજે આસોપાલવનાં તોરણ બાંધ્યાં છે. ઘરો અને ગેસ્ટ હાઉસમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર નગરીમાં જાણે બીજી દિવાળી ઉજવાતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Jalaram Bapa Jayanti Celebrations in Virpur

જલારામ બાપાના જીવનચરિત્રની આકર્ષક ઝાંખીઓ

શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તથા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યાં છે. જન્મજયંતિના અવસરે બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Jalaram Bapa Jayanti Celebrations in Virpur

ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પરબ અને પ્રસાદની વ્યવસ્થા

વીરપુર પહોંચતા માર્ગો પર ભક્તોની સેવા માટે ઠેર-ઠેર પાણી, સરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે 227 કિલો બુંદીના પ્રસાદનું ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જન્મજયંતિની ખુશીમાં કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાશે.

26 વર્ષથી મંદિરમાં દાન સ્વીકારાતું નથી

વીરપુરના જલારામ મંદિરમાં છેલ્લા 26 વર્ષથી એક પણ રૂપિયાનું દાન કે ભેટસોગાદ સ્વીકારવામાં આવતી નથી. બીજી તરફ, 200 વર્ષથી વધુ સમયથી અવિરત અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જલારામ બાપાના સેવાભાવ અને પરંપરાને અનુરૂપ ભક્તો માટે સેવા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર વીરપુર નગરી ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવનાના રંગે રંગાઈ ગઈ છે. દેશ-વિદેશમાંથી ઉમટેલા લાખો ભક્તોની હાજરીથી યાત્રાધામમાં ભક્તિમય માહોલ છવાયો છે.  


આ પણ વાંચો :    Explainer : અમેરિકાનું આકાશ અચાનક કેમ થંભી ગયું? એક ખામીથી હજારો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ, ભારતની હવાઈ વ્યવસ્થા કેટલી સુરક્ષિત?