મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કાંસા ચોકડી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત હવન અને કર્મકાંડ કરાવવા માટે એક્ટિવા બાઇક પર સવાર થઈને જઈ રહેલા બે શ્રદ્ધાળુ ભૂદેવોને પુરપાટ ઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે કચડી નાખ્યા હતા.
એક્ટિવા સવાર બે ભૂદેવોના ટેન્કરની ટક્કરે મોત
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાંસા ચોકડી પાસે ટેન્કરચાલક માતેલા સાંઢની જેમ વાહન ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ પણ આસપાસના લોકો બૂમો પાડતા રહ્યા તેમ છતાં ડ્રાઇવરે વાહન ઊભું રાખવાની જગ્યાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર સવાર બંને ભૂદેવો ટેન્કરના પૈડા નીચે આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણપંખેરુ ઊડી ગયા હતા.
ડ્રાઇવરને ટોળાએ પકડી પોલીસને સોંપ્યો
અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ટેન્કર ચાલકને ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિક લોકોના ટોળાએ હિંમતપૂર્વક પકડી પાડ્યો હતો અને તેને તુરંત સ્થળ પર પહોંચેલી પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપી ટેન્કર ચાલકની અટકાયત કરી તેને વિસનગર પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, જ્યાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. પવિત્ર હવન અને પૂજા વિધિ માટે નીકળેલા બે ભૂદેવોના અકાળે અને અચાનક કરુણ અવસાનથી તેમના પરિવારો પર વજ્રપાત થયો છે તેમજ સમગ્ર વિસનગર શહેર અને બ્રાહ્મણ સમાજમાં ઘેરા શોકની કાળી દિબ છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: Ahmedabad: દરેક નાગરિક મતદાર બને અને અચૂક મતદાન કરે તે જ ચૂંટણી પંચનું લક્ષ્ય - CEC જ્ઞાનેશ કુમાર