યાત્રાધામ અંબાજી અને તેના આસપાસના પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અંબાજી નજીક આવેલા કુંભારિયા વિસ્તારમાં બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનના તેજ સુસવાટા સાથે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતાં પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો.
અચાનક કમોસમી વરસાદથી વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી
અંબાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક તૂટી પડેલા કમોસમી વરસાદના કારણે ગરમી અને અકળાટમાંથી લોકોને મોટી રાહત મળી છે. વરસાદી છાંટા અને પવનના કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદને પગલે અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રાળુઓ તેમજ સ્થાનિક રહીશોએ હવામાનમાં આવેલા ફેરફાર અનુભવ્યો હતો.

