છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે, ત્યારે ભારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે ધરતી પર ઠેર-ઠેર ઝાડ અને વીજ થાંભલા પડી જવાની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના સંખેડા પંથકમાં છોટાઉદેપુર-પ્રતાપનગર (વડોદરા) રેલવે ટ્રેક ઉપર બની હતી. પુનિયાવાંટ સ્ટેશન નજીકથી પસાર થતી રેલવે લાઈન પર એક વર્ષો જૂનું કદાવર લીમડાનું ઝાડ ભારે પવનના ઝાપટા સહન ન કરી શકતાં સીધું રેલવેના પાટા ઉપર જઈને પડ્યું હતું.


મુસાફરો 1 કલાક સુધી અટવાયા

વહેલી સવારે જ્યારે છોટાઉદેપુરથી પ્રતાપનગર તરફ જતી ટ્રેન આ રૂટ પરથી પસાર થવાની હતી, ત્યારે ટ્રેકના પાટા પર ઝાડ આડું પડ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. રેલવે ટ્રેક બ્લોક થઈ જતાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ટ્રેનને પુનિયાવાંટ નજીક જ લાઈવ સિગ્નલ પર રોકી દેવામાં આવી હતી. સવારના સમયે નોકરી-ધંધાર્થે વડોદરા તરફ જતાં સેંકડો મુસાફરો રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા અને ટ્રેન લગભગ ૧ કલાક જેટલી મોડી પડી હતી.

રેલવે ગેંગમેન અને સ્ટાફની ત્વરિત કામગીરી

ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરાતા જ છોટાઉદેપુર અને સંખેડા રેલવે વિભાગનો ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ગેંગમેનની ટીમ તાત્કાલિક કુહાડી અને ઇલેક્ટ્રિક કટર મશીનો સાથે લોકેશન પર પહોંચી ગઈ હતી. રેલવેની ટીમે યુદ્ધના ધોરણે પાટા પર આડા પડેલા તોતિંગ ઝાડને કાપીને નાના ટુકડા કર્યા હતા અને તેને ટ્રેક પરથી દૂર ખસેડ્યો હતો. રેલવે એન્જિનિયરો દ્વારા ટ્રેકની લાઈવ ચકાસણી કર્યા બાદ ટ્રેકને ગ્રીન સિગ્નલ આપી ટ્રેનને સુરક્ષિત રીતે વડોદરા તરફ રવાના કરવામાં આવી હતી, જેના કારણે રેલવે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: Ahmedabad: વસ્ત્રાલમાં નવી ગાડીઓ ભરેલું કન્ટેનર પસાર થતાં જ આખો રોડ બેસી ગયો, કન્ટેનર કાઢવા તંત્રની મથામણ

  • Follow us on: