ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું શરૂ થઈ ગયું છે. તાલાલાના ગુંદરણ, માધુપુર, આમળાશ, ધાવા અને આકોલવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી વહી નીકળ્યા હતા.
મગફળી, કપાસ અને સોયાબીનના પાકને મોટો ફટકો
ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે પહેલેથી જ ખેડૂતોને પાક નુકસાનનો સામનો કરવો પડ્યો હતો, અને હવે જતા-જતા આ કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેતરોમાં કાપીને પાથરેલો અથવા તૈયાર થયેલો મગફળી, કપાસ અને સોયાબીનનો પાક વરસાદી પાણીમાં પલળી જવાથી નષ્ટ થવાની આરે છે. ચાર મહિનાની મહેનત બાદ મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાથી અન્નદાતાઓમાં ચિંતા અને નિરાશાની લાગણી છવાઈ ગઈ છે.

