ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર અને ગીર ગઢડા પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવવાથી કમોસમી વરસાદ અને માવઠાએ ભારે તારાજી સર્જી છે. ફાટસર અને ખિલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ફાટસર ગામેથી સામે આવેલા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ, માત્ર અડધો કલાકના મેઘતાંડવને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ભારે પવનના કારણે ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ હતી.
કપાસ, શેરડી અને મગફળીના પાકને વ્યાપક નુકસાન
આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ફાટસર ગામે ખેડૂત રમેશભાઈ હાપાણી સહિતના અનેક ખેડૂતોના ખેતરોમાં કપાસનો ઊભો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે. કપાસ ઉપરાંત શેરડી અને મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ચાર-ચાર મહિનાની સખત મહેનત બાદ તૈયાર થયેલો પાક નષ્ટ થઈ જવાથી અન્નદાતાઓની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.

