કચ્છના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. મુન્દ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ નખત્રાણા પંથકમાં અચાનક મેઘાવી માહોલ બંધાયો હતો અને જોરદાર વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું. બપોરના સમયે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા બાદ શરૂ થયેલા વરસાદના કારણે સમગ્ર પંથક જાણે ચોમાસાના રંગમાં રંગાઈ ગયો હતો.


બફારાથી ત્રાહિમામ પોકારેલી જનતાને મોટી શાંતિ

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ઊંચો રહેવાની સાથે અસહ્ય ઉકળાટ થઈ રહ્યો હતો, જેના કારણે લોકો ઘરમાં પણ બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. આ દરમિયાન મુન્દ્રા અને નખત્રાણા પંથકના વાતાવરણમાં પલટો આવતા આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. પવનના સુસવાટા સાથે શરૂ થયેલા વરસાદી ઝાપટાએ ગણતરીની મિનિટોમાં જ વાતાવરણને એકદમ ઠંડુંગાર બનાવી દીધું હતું, જેથી સ્થાનિક અબાલ-વૃદ્ધ સૌ કોઈ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

વાતાવરણને એકદમ ઠંડુંગાર બનાવી દીધું

જો કે આ વરસાદી ઝાપટું ટૂંકા સમય માટે જ વરસ્યું હતું, પરંતુ તેના વેગના કારણે મુન્દ્રા અને નખત્રાણાના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં થોડી મુશ્કેલી પડી હતી અને તંત્રની નબળી ડ્રેનેજ લાઈનની પોલ પણ ખુલ્લી પડી ગઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે સર્જાયેલા વેધર સિસ્ટમના ફેરફારના કારણે આ વરસાદી માહોલ બન્યો છે અને આગામી કલાકોમાં જિલ્લાના અન્ય ભાગોમાં પણ આવો પલટો આવી શકે છે.

આ પણ વાંચો: Gir Somnath: જયપુરથી આવેલા પ્રવાસી પરિવારના 10 બાળકોને ફૂડ પોઇઝનિંગ, નાસ્તો કર્યા બાદ બાળકોની તબિયત બગડી

  • Follow us on: