- ઝાલાવાડમાં હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી
- જોરાવરનગરમાં ચંદ્રેશ્વર હનુમાનજી મંદિરે હવન યોજાયો હતો.
- દાળમીલ રોડ પર આવેલા ભીડભંજન હનુમાન મંદિરે યજ્ઞ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારે પવનપુત્ર હનુમાનજી જયંતીની ઠેરઠેર ઉજવણી કરાઈ હતી. શહેરના હનુમાન મંદિરોમાં મારૂતી યજ્ઞ બટુક ભોજન, સુંદરકાંડના પાઠ અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સુરેન્દ્રનગર શહેરમાં વિશ્વમાં સૌથી વધુ હનુમાન મંદિરો આવેલા છે. ત્યારે શહેર ગુરૂવારે હનુમાન જયંતી પર્વે હનુમાનમય બની ગયુ હતુ. શહેરના હનુમાન મંદિરોમાં સવારે ભગવાનને શણગાર કરાયો હતો. જયારે મંદિરોની બહાર પણ મંડપ થકી શણગાર કરાયો હતો. હનુમાન દાદાની આરતીમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા. શહેરના પ્રાચીન ગણાતા ખીજડીયા હનુમાન મંદિરે ભકતોનો આખો દિવસ પ્રવાહ ચાલુ રહ્યો હતો. દિવસ દરમિયાન દાદાની પૂજા બાદ મારૂતી યજ્ઞ, બટુક ભોજન, સુંદરકાંડના પાઠ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યુ હતુ. જયારે શહેરના દાળમીલ રોડ પર આવેલા ભીડભંજન હનુમાન મંદિરે સવારે યોજાયેલા હવનમાં ડો. ચંદ્રીકાબેન, ડો. કિશોરભાઈ, જયભાઈ શેઠ, મીતાબેન સહિતનાઓએ આહુતી આપી હતી. અને રાતના સમયે જુનીયર ફિલ્મી કલાકારોએ રંગત જમાવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બીજી તરફ વઢવાણના ઘરશાળા રોડ પર આવેલા શનીદેવ મંદિરે બીરાજમાન હનુમાનજી મહારાજ મંદિરે સુંદરકાંડના પાઠ યોજાયા હતા. જેમાં જિલ્લા વિશ્વ હિન્દુ પરીષદના અધ્યક્ષ જયેશ શુકલ, પ્રશાંતભાઈ ભટ્ટ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત વઢવાણ તાલુકાના વાઘેલા ગામની સીમમાં આવેલા ખાણીયા હનુમાન મંદિરે યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ યોજાયા હતા. જયારે જોરાવરનગરના ડીએનટી હાઈસ્કૂલ પાસે આવેલ દત્તબાપુની ચાલીમાં બીરાજમાન ચંદ્રેશ્વર હનુમાન મંદિરે બટુક ભોજન અને મારૂતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.










