- રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર વિશ્વ વિક્રમ અભિયાન અંતર્ગત જિલ્લામાં કાર્યક્રમ થશે
- કાર્યક્રમના આયોજન માટે શનિવારે મોડી સાંજે કલેકટર કચેરીમાં બેઠક મળી
- સોમવારે સવારે 7થી 8-45 કલાક જિલ્લામાં 4 સ્થળે આ કાર્યક્રમ યોજાનાર છે
સુર્ય નમસ્કારને વિશ્વસ્તરીય બનાવવા માટે આજે તા. 1લી જાન્યુઆરીએ વિશ્વ વિક્રમ અભિયાન અંતર્ગત સામુહીક સુર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરાયુ છે. સોમવારે સવારે 7થી 8-45 કલાક જિલ્લામાં 4 સ્થળે આ કાર્યક્રમ યોજાનાર છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ, રમતગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓના વિભાગ દ્વારા રાજયવ્યાપી સુર્ય નમસ્કાર મહાઅભિયાનનું આજે તા. 1લી જાન્યુઆરી 2024ના રોજ આયોજન કરાયુ છે. વિશ્વ વિક્રમ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયની સાથે ઝાલાવાડમાં પણ 4 સ્થળે આ કાર્યક્રમ યોજાશે. જેના આયોજન માટે કલેકટર કચેરીના સભાખંડમાં શનિવારે મોડી સાંજે બેઠક મળી હતી. જેમાં ઈન્ચાર્જ કલેકટર પી.એન.મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસીંહ ગોહિલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, યોગ કોચ, ટ્રેનર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સોમવારે સવારે 7થી 8-45 કલાક દરમિયાન સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દુધરેજ વડવાળા મંદિર, દુધઈ વડવાળા મંદિર અને ત્રિમંદીર ખાતે કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાજયકક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા થયેલા સન્માન સમારોહનું લાઈવ પ્રસારણ પણ કરાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ સાથે જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાશે. સુર્યના પ્રથમ કિરણ સાથે આજે સામુહીક સુર્ય નમસ્કાર કરીને ગુજરાત રાજય વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યુ છે.










