• કલોલમાં એક ઇંચ પાણી પડી ગયું,સવારે નવ કલાક બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં

  • બપોરે વિરામ બાદ મોડી સાંજે પુનઃ ધોધમાર વરસાદ ખાબક્યો
  •  માણસા-15, દહેગામમાં 18 મીમી જેટલો વરસાદ

ગાંધીનગરમાં આજે સવારે માવઠુ પડયુ હતું. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. ભરશિયાળામાં પડેલા વરસાદથી સર્વત્ર ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સવારે શરૂ થયેલા ધીમીધારનો વરસાદ બપોર સુધી શરૂ રહ્યો હતો. આ દરમિયાન સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અડધોથી એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે, મોડીસાંજે પુનઃ વિજળીના કાટકા સાથે વરસાદ ખાબક્યો હતો.

શિયાળાની ઠંડીની હજુ શરૂઆત જ છે ત્યાં નગરજનોએ ડબલ સિઝનનો આજે અનુભવ કર્યો હતો. આજે ઠંડીની સાથેસાથે વરસાદ પણ પડયો હતો. સવારે સાત કલાક સુધી આકાશમાં છુટાછવાયા વાદળો રહ્યા હતા. પરંતુ નવ કલાક બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાઇ ગયુ હતું. સવારના સમયે સંધ્યા જેવો માહોલ સર્જાયો હતો. થોડીવારમાં જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ક્યારેક વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધ્યુ હતું. સતત ચારેક કલાક સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

આ સમયગાળા દરમિયાન પાટનગરમાં અડધો ઇંચ પાણી પડી ગયુ હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાયા હતા. આજે રવિવાર હોવાથી લોકો રજાના મુડમાં હતા. બીજીતરફ વરસાદના કારણે મોટાભાગના લોકએ બહાર નિકળવાનું ટાળ્યુ હતું. જેના કારણે આ સમયગાળા દરમિયાન શહેરમાં સ્વયંભુ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર રહ્યુ હતું. સૌથી વધુ કલોલ પંથકમાં વરસાદ નોંધાયો હતો. અહિ ધીમીધારે એક ઇંચ પાણી પડી ગયુ હતું. કલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત માણસા અને દહેગામમાં પણ અનુક્રમે 15 અને 18 મીમી જેટલો વરસાદ પડયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

લોકોએ સુસવાટા મારતા બરફિલા પવનનો સામનો કર્યો હતો. જોકે, બપોર બાદ વાદળો વિખેરાતા સુર્યનારાયણે દર્શન દીધા હતા. માવઠાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા તેની અસર મોડીસાંજે સૌથી વધુ જોવા મળી હતી. જોકે, મોડીસાંજે પુનઃ વાતાવરણ બદલાયુ હતું. અને આકાશમાં પુનઃ કાળાડિબાંગ વાદળોએ જમાવટ કરી હતી. થોડીવારમાં જ વિજળીના કાટકા સાથે વરસાદ તુટી પડયો હતો.


  • Follow us on: