- કુવાડવાની મહિલાએ કેન્સરને હરાવી બહેનોને પગભર કરવા શરુ કર્યો સેવાયજ્ઞ
- બ્રેસ્ટ કેન્સર અંગે મહિલાઓમાં રહેલો ભય દૂર કરવા ગામડે ગામડે ફરી બહેનોને જાગૃત કરશે
- 35 દિવસની તાલીમ પૂર્ણ કરનાર દીકરીઓને નિઃશુલ્ક બ્યુટી પાર્લરની કીટ આપે છે
સ્ત્રી એ પછી માં હોય, બહેન હોય કે દીકરી હોય દરેક મહિલાઓને ભગવાને દરેક પરિસ્થિતિમાં જજુમીને જીવતા અને દરેક મુશ્કેલીઓને હરાવી આગળ વધવાની અદભુત શક્તિ આપી છે. એટલે જ નારી તું નારાયણી કહેવાય છે.

ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલ કુવાડવા ગામમાં રહેતા આવા જ એક સંઘર્ષના સારથી એવા દેવિકાબેન મહેતાની સંઘર્ષ ગાથાની વાત કરીએ... તો દેવિકાબેનને એક વર્ષ પહેલા ત્રીજા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું. બાયોપ્સી રિપોર્ટમાં 8 સેન્ટી મીટરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે, પરિવારજનો ભાંગી પડ્યા હતા. પરિવારને હિમ્મત આપી હું આ બીમારીને હરાવીને સેવાના એવા કાર્યો કરીશ કે લોકો મને આજીવન યાદ રાખશે તેવું કહી હિંમત હારવાને બદલે હિમ્મત દાખવી અને દ્રઢ મનોબળ સાથે કોઈપણ ભોગે આ રોગને નાબૂદ કરવા સારવાર શરુ કરાવી હતી. કહેવાય છે ને કે કોશિષ કરને વાલોકી હાર નહિ હોતી તે કહેવત મુજબ યોગ્ય સારવાર થકી દેવિકાબેને કેન્સરને પણ હરાવી જીવન રાબેતા મુજબ શરુ કરી દીધું છે.

દેવિકાબેનની કીમો થેરાપી ચાલતી હતી છતાં પોતાની કુવાડવા શોપ ચાલુ રાખી હતી. હાલ, તેઓ દેવીશક્તિ મહિલા મંડળ ચલાવે છે. જેમાં ગામડાની બહેનોને નજીવા દરે બ્યુટી પાર્લરની તાલીમ આપે છે અને 35 દિવસની તાલીમ પૂર્ણ થયાં બાદ 10 હજારની બ્યુટી પાર્લરની કીટ પણ આપે છે. જેથી, કોઈ બહેન દીકરી પોતાના ઘરેથી પોતાનો વ્યવસાય શરુ કરી પગભર થઇ શકે. દેવિકાબેનની દીકરી અમેરિકા સાસરે છે અને પુત્ર, પુત્રવધુ સહિતનો પરિવાર કુવાડવામાં રહે છે. હજુ દેવિકાબેન ગામડે ગામડે સરકારની સહાયથી મહિલાઓ જનરલ સ્ટોર બનાવી રોજગારી મેળવી શકે તેવો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે મારે પૈસાનું નહીં મારે રોજગારીનું દાન કરવું છે.

ગામડે ગામડે જઈ બ્રેસ્ટ કેન્સર વિષે મહિલાઓને માહિતગાર કરી કેન્સરનો ભય દૂર કરશે
કેન્સરને હરાવનાર દેવિકાબેન હવે તેના દેવિકા મહિલા મંડળ થકી દર પંદર દિવસે જુદા જુદા ગામડે જઈ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર વિષે જાગૃત કરવા ઝુંબેશ ઉઠાવવાના છે. ગ્રામ્ય પંથકની મહિલાઓ કેન્સરનું નામ સાંભળીને ભાંગી જાય છે તેનો આત્મવિશ્વાસ મજબૂત કરી આ રોગ સામે દ્રઢ મનોબળ રાખી લડવાથી આ રોગને પણ હરાવી શકાય છે તેવું માર્ગદર્શન આપી કેન્સર પ્રત્યેની તેમની બીક દૂર કરવા પ્રયત્નો કરશે.









