મેઘરજમાં ફટાકડાના વેપારીઓ એક જ સ્થળે દુકાનો લગાવી ધંધો કરે એ માટે તંત્ર દ્વારા મેઘરજ તાલુકા સંઘની પાછળ પેટ્રોલ પંપની નજીક આવેલી સંઘની માલિકીની જગા ભાડે રાખવા જણાવાતાં વેપારીઓએ આ બાબતનો વિરોધ કરી જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી છે અને રાજય સરકારમાં પણ રજૂઆત કરી છે.
તાલુકા સંઘની પાછળ ત્રણ ગોડાઉનની વચ્ચે આવેલી અને રસ્તાથી 1 ફૂટ જેટલી નીચી જગા તંત્રના અધિકારીઓએ કેવી રીતે માન્ય રાખી? એ પણ એક વિચારવા જેવી બાબત છે.અરવલ્લી જિલ્લામાં તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં એક જ જગાએ ફટાકડાની દુકાનો થાય તેવો આદેશ બહાર પડાયો છે અને આ આદેશના અનુસંધાને જે તે તાલુકાના મામલતદારો આ જગા જોઈને નકકી કરતા હોય છે. પરંતુ મેઘરજમાં આ બાબતે ફટાકડાના હંગામી લાયસન્સ ધરાવતા વેપારીઓએ મેઘરજમાં ફળવાયેલ પેટ્રોલપંપની નજીક આવેલી જમીન ઉપર ફટાકડાનો ધંધો કરવાનો વિરોધ કર્યો છે. તેમજ મેઘરજના 42 જેટલા વેપારીઓએ ગત શનિવારે અરવલ્લી જિલ્લા કલેકટરને એક અરજી આપેલ છે અને સરકારમાં પણ રજૂઆત કરી છે.
વહેપારીઓએ અરજીમાં જણાવ્યા મુજબ તાલુકા સંઘની પાછળ આવેલ જે જગા ફટાકડાની દુકાનો માટે ફળવાઈ છે. તે જગા સાંકડી છે. આ જગાની ત્રણ બાજુ સંઘના ગોડાઉન આવેલા છે. જયારે પશ્ચિમ તરફ રહેણાંકના મકાનો અને પેટ્રોલપંપ આવેલ છે. વળી કેટલાક માથાભારે તત્વો દારૂખાના હંગામી પરવાના લાવીને વેપાર કરતા હેાઈ ઝઘડા થવાની પણ શકયતા છે. વધુમાં આ જગા તાલુકા સંઘે ગોડાઉનમાં જવાના રસ્તાથી 1 ફૂટ નીચે ખાડામાં બતાવી હોવાથી ખાડામાં વેપાર બાબતે વેપારીઓએ વિરોધ કર્યો છે. મેઘરજમાં દર વર્ષે ફટાકડાના હંગામી લાયસંસદારો પોતાની દુકાન આગળ જ વેપાર કરતા હોય છે. મેઘરજમાં એસ.ટી.સ્ટેશનથી વાત્રક નદીના પુલ સુધીનું જ મુખ્ય બજાર છે. અને આ બજારમાં જ દુકાનો આવેલી હોવાથી કેટલાક વેપારીઓ ફટાકડાનો હંગામી લાયસંસ લઈ વેપાર કરે છે. વળી આ ફટાકડાના વેપારીઓ પોતાની દુકાનો આગળ અગ્નીશામક પણ રાખતા હોય છે.જેથી મેઘરજના વેપારીઓ પોતાની દુકાનો આગળ જ ફટાકડાનો વહેપાર કરવા માટે પોતાની લાગણીઓ કલેકટર અને સરકારમાં વ્યકત કરી રહયા છે. મેઘરજમાં ફટાકડાના વેપાર માટે તંત્ર જે જમીન માટે આગ્રહી છે. તે જમીનની ત્રણ બાજુ ગોડાઉન અને આર.સી.સી.માર્ગ છે. વળી આ જમીનમાં પ્રવેશ કરવાનો એક માર્ગ છે. ત્યારે સદર મામલે વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેમ વેપારીઓ ઈચ્છી રહ્યા છે.