મહેસાણા તાલુકાના મંડાલી ગામે થયેલા વિકાસ કામોમાં ગામના પૂર્વ તલાટી અને વહીવટદારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ પંચાયતના મુખ્ય દરવાજે તાળું મારી દેતા વર્તમાન તલાટી અને વહીવટદાર સહિતનું તંત્ર દોડતું થયું હતું.
ગામમાં થયેલા વિકાસ કાર્યોમાં પૂર્વ તલાટી અને વહીવટદારે જે કામ એક લાખ રૂપિયાનું હોય તેમાં રૂ.18 લાખની ચુકવણી કરીને અનેક કામોમાં ગેરરીતિઓ આચરાઈ હોવાનો હોબાળો ગ્રામજનો દ્વારા મંગળવારે મળેલી ખાસ ગ્રામ સભામાં કરવામાં આવ્યો હતો. ગ્રામસભા પૂર્ણ થયા બાદ ક્રોધિત ગ્રામજનોએ પંચાયતના મુખ્ય દ્વારે તાળું મારી દેતા ભારે દેકારો મચ્યો હતો. જો કે, પંચાયતના વર્તમાન વહીવટદાર અશ્વિન એમ. ચૌધરીએ સમજાવટથી કામ લેતાં આખરે મામલો થાળે પડયો હતો.
તાલુકાના મંડાલી ગામે છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. આ દરમિયાન ગામના વિકાસ કામ માટે અનેકવિધ યોજનાઓ સંદર્ભે ગ્રાન્ટ ખર્ચ કરવામાં આવેલી છે. જે સરકારી ગ્રાન્ટમાંથી ગ્રામજનોની સુખાકારી માટે વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે. જો કે ગ્રામજનોને ગામના પૂર્વ તલાટી મંત્રી ફલ્ગુન દેસાઈ અને વહીવટદાર કનુ ચૌધરી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરાઈ હોવાની શંકા જતાં આજે મંગળવારે ગ્રામ પંચાયતમાં યોજાયેલી ખાસ ગ્રામસભામાં આ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે ગ્રામજનોના આક્ષેપ સામે ગામના વર્તમાન તલાટી અને વહીવટદાર દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત કચેરી સ્થિત ઉપરી અધિકારીઓને રજૂઆત કરવા જણાવ્યું હતું. પરંતુ, ક્રોધિત ગ્રામજનોએ અનેકવિધ કામોને લઈને પૂર્વ તલાટી મંત્રી અને પૂર્વ વહીવટદાર સામે રૂ.60 થી રૂ.70 લાખ રૂપિયાની ઉચાપત કર્યાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જો કે ગ્રામજનોના આક્ષેપો સામે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તો સાચી બાબત બહાર આવી શકે તેમ હોવાનો મત પણ સામે આવ્યો છે.