મહેસાણા LCBની ટીમે કટોસણ ગોવિંદવાડી વિસ્તારમાં દરોડા પાડી દારૂનું કટિંગ ઝડપી પાડયું હતું. 4.70 લાખની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ વાહનો મળી કુલ 15.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 5 બુટલેગરો વોન્ટેડ હોઈ તેમની વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા LCBની ટીમને કટોસણના ગોવિંદવાડી વિસ્તારમાં રહેતા કુલદીપ હનુમાનસિંહ ઝાલાને ત્યાં વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરાતું હોવાની બાતમી મળી હતી. જે આધારે LCBની ટીમે સ્થળ પર જઈ રેડ પાડતા સ્થળ પરથી 2100 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જ્યાં થી કુલ 4,70,460ની કિંમતનો તમામ દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે સ્થળ પરથી પાંચ વાહનો ઝડપાઇ આવ્યા હતા. જોકે સ્થળ પર હાજર 5 બુટલેગરો પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફ્ળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી 15,40,460ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી 5 વોન્ટેડ શખ્સો સામે સાંથલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.










