જિલ્લાના વન વિભાગ દ્વારા મહેસાણા મહાનગરની જનતાને 10 હેક્ટર જમીન ઉપર ઓક્સિજન પાર્કની ભેટ ધરવામાં આવી છે. અમદાવાદ-મહેસાણા બાયપાસ માર્ગ પરના નુગર ગામના સીમાડાને પ્રવાસીઓ માટે પિકનિક સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.
ઓક્સિજન પાર્કમાં 60 હજાર વૃક્ષોનું ગાઢ જંગલ બે હજાર જેટલાં ખુશ્બુ મહેકાવતા રંગબેરંગી ફ્ૂલોના છોડવાં પ્રકૃતિ પ્રેમીઓના હૈયે ટાઢક આપશે. આ ઉપરાંત અહીં બાળકોને મનોરંજન મળી રહે તે માટે ક્રિડાગણ, ટહેલવા માટે પાથ-વે અને એડવેન્ચર માટે વોચ ટાવર ઊભું કરવામાં આવ્યું છે. વન કવચ હેઠળ તૈયાર થઈ રહેલા ઓક્સિજન પાર્કનું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આગામી ત્રણ વર્ષમાં ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું ઘનઘોર વન મહાનગર વાસીઓના હૃદયની ધડકન બની જશે. અહીં બાકી રહેતી ત્રણ હેક્ટર જમીનમાં વિકાસનું આયોજન પણ ઘડાઈ રહ્યું છે.










