અમદાવાદમાં મેટ્રોના કેબલની ચોરી થતા મેટ્રો સેવાને અસર વર્તાઈ છે, એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા હાલ બંધમાં છે, શાહપુરથી જુની હાઈકોર્ટે વિસ્તારમાં કેબલની ચોરી થતા મેટ્રો સેવા બંધ કરાઈ છે સાથે સાથે મુસાફરો રઝળી પડયા છે, મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતા કેબલોની ચોરી થતા પોલીસે પણ તપાસ હાથધરી છે, ગઈકાલે મોડી રાત્રે કેબલની ચોરી થઈ હતી.

અમદાવાદ મેટ્રો રેલવેના કેબલની ચોરી

અમદાવાદ શાહપુરથી જુની હાઈકોર્ટ વિસ્તારમાં મેટ્રોના કેબલની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, મેટ્રોને વીજ પુરવઠો પૂરો પાડતા કેબલોની ચોરી થઈ છે, એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો હાલ બંધ કરાઈ છે પરંતુ મેટ્રો વિભાગ દ્વારા આ બાબતે હજી કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં નોકરીએ જનારા લોકોને મેટ્રો ટ્રેનમાં જવાના બદલે બસ અથવા રીક્ષામાં ખાનગી વાહનો કરી અને જવાનો વારો આવ્યો હતો.

મેટ્રોના મુસાફરી કરતા લોકો હેરાન થઈ ગયા

વહેલી સવારથી જયારે લોકો નોકરી ધંધે જતા હોય છે ત્યારે વધારે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે જાણ થઈ કે મેટ્રો સેવા તો બંધ છે તેના કારણે લોકોનો સમય વેડફાયો હતો તો ઘણા લોકોએ ખાનગી વાહનમાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે, મુસાફરોનું કહેવું છે કે મેટ્રો સેવા બંધ છે તેવી જાણકારી ડેસ્ક પરથી પણ આપવામાં આવી ન હતી અને છેલ્લા સમયે દોડધામ મચી હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી પરંતુ મેટ્રો સેવાના અધિકારીઓએ લોકો સુધી આ જાણકારી પહોંચાડી નહી તેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.