• વીજ કનેક્શન કાપવા ગયેલા જુનિયરને મારી નાખવાની ધમકી આપી

  • વીજ કંપનીના કર્મીની ફરજમાં રૂકાવટ ઊભી કરનારા બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો  
  • વીજ કનેકશન કાપવા માટેનો ઓર્ડર છીનવી લીધો

કાલોલ તાલુકાના ડેરોલગામના બિલિયાપુરા ગામના એક ગ્રાહકનું વીજબીલની બાકી રકમ ભરાયેલ ન હોય જેથી વીજ કનેક્શન કાપવા ગયેલા કર્મીઓને વીજ કનેક્શન નહિ કાપવા દઈને કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરીને કાલોલની એમજીવીસીએલની ઓફ્સિ ખાતે આવી ગાળો બોલીને દાદાગીરી કરીને તોડફેડ કરી નુકસાન પહોંચાડીને કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા બે તત્વો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

કાલોલ એમજીવીસીએલ વિભાગ કચેરીના જુનિયર ઇજનરે દાખલ કરેલી ફરીયાદની વિગતો અનુસાર કાલોલ એમજીવીસીએલ વિભાગની કચેરી દ્વારા તેમના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતા ગામોમાં વીજબીલના બાકી લેણા નિકળતા વીજ કનેક્શન કાપવા માટેના લેખીત ઓર્ડર સાથે સ્ટાફ્ના બે કર્મચારીઓ રવિવારે બપોરે ડેરોલગામના બીલીયાપુરા ગામે ગયા હતા. જ્યાં ભગવતીપ્રસાદ સોનીના વીજ મીટરનું વીજબીલ રૂ.10,280 બાકી હોય આ વીજ કનેક્શન કાપવા માટે ગયેલા કર્મચારીઓને બે ઈસમોએ વીજ કનેક્શન કાપવા દિધેલ નહિ અને વીજ કનેકશન કાપવા માટેનો ઓર્ડર પણ છીનવી લીધો હતો. જે પછી બંને ઈસમો બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે કાલોલ એમજીવીસીએલની ઓફ્સિમાં પહોંચીને બન્ને ઈસમો પૈકીના એક ઈસમે મારું નામ અક્ષય ઉર્ફે અન્ના છે, તમે મને ઓળખતા નથી, પણ હું આખા ગામનો ડોન છું, તો મારું લાઇટ કનેક્શન કાપવા માટે કોણે મોકલ્યો હતો? એવું ઉંચા આવજે વાત કરી ગાળાગાળી કરીને ઓફ્સિના જુનિયર ઈજનેરને લાફે માર્યો હતો. જ્યારે બીજા ઈસમે હું રાજુ ઉર્ફે બજાજ છું તમે મને ઓળખતા નથી, કહીને નાયબ ઇજનેરની ઓફ્સિમાં પાર્ટીશન ધરાવતા કાચમાં મુક્કા મારીને તોડફેડ કરવા લાગ્યો હતો. તદ્ઉપરાંત સમગ્ર સ્ટાફ્ને ગાળો બોલીને અહી આ રીતે સર્વિસ કરી છે તો જુનિયર ઈજનેરને તેમના પરિવાર સહિત જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ ઉચ્ચારતા સમગ્ર ઘટના અંગે એમજીવીસીએલ વિભાગના કર્મચારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી મામલો થાળે પાડયો હતો.

આ સમગ્ર ઘટના અંગે એમજીવીસીએલના જુનિયર ઇજનેર બન્ને ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે પોતાની જાતને ડોન ગણાતા અક્ષય ઉર્ફે અન્ના અને રાજુ ઉર્ફે બજાજ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: