• 28 એપ્રિલ સુધી ગુરુના અસ્તને કારણે લગ્નમુહૂર્ત નહીં

  • 2 મેના રોજથી બે મહિના માટે લગ્નસરાની મોસમ ફરી જામશે
  • દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થશે

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તિથી, સંયોગ અને ગ્રહોના ભ્રમણ, રાશિ પરિવર્તનને આધારે લગ્ન સહિતના શુભ કાર્યોના મુહૂર્ત લેવામાં આવે છે. જે અંતર્ગત લગ્નકાર્યો માટે વર્જિત ગણવામાં આવતા મીનારક કમૂરતાનું 14 એપ્રિલના શુક્રવારે સમાપન થયું હતું. સૂર્યદેવનો મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ સાથે જ એક મહિનાના મીનારક કમૂરતા પૂરા થયા હતા. જોકે, 28 એપ્રિલ સુધી ગુરુદેવનો અસ્ત હોય એકેય લગ્નમુહૂર્ત નથી. 2 મેના રોજથી બે મહિના માટે લગ્નસરાની મોસમ ફરી જામશે.

ફાગણ સુદ સાતમના 14 માર્ચથી ચૈત્ર વદ નોમના 14 એપ્રિલ સુધી મીનારક રહ્યા હતા. મીનારક અને ધનારક બન્ને કમૂરતામાં લગ્નકાર્યો લેવાતા નથી. એક મહિનો સુધી સૂર્યદેવના મીન રાશિમાં ભ્રમણ બાદ શુક્રવારે બપોરે 3.01 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. તે સાથે જ મીનારક કમૂરતા પૂરા થયા હતા. જોકે, હજુ ગુરુદેવનો અસ્ત છે. ચૈત્ર સુદ એકાદશીના 1 એપ્રિલથી વૈશાખ સુદ આઠમના 28 એપ્રિલ સુધી ગુરુદેવનો અસ્ત છે. 28 એપ્રિલે ગુરુદેવનો પૂર્વમાં ઉદય થશે. ત્યારબાદ તિથિ, નક્ષત્રને જોતા 2 મેના રોજ લગ્નનું પહેલું મુહૂર્ત છે. મે માસમાં દર બીજા દિવસે લગ્નમુહૂર્ત રહેશે. તેમાં 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 15, 16, 21, 22, 27, 29, 30 અને 31 મેના રોજ મુહૂર્ત છે. જ્યારે જૂન માસમાં 3, 6, 7, 8, 11, 13, 23, 26, 27 અને 29 જૂનના રોજ લગ્નમુહૂર્ત છે. ત્યારબાદ દેવપોઢી એકાદશી સાથે જ લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થશે અને ચાતુર્માસનો આરંભ થઇ જશે.


  • Follow us on: