જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને ગઈકાલે મોડી રાત્રે ભારતીય જવાનોએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને વળતો જવાબ આપ્યો છે અને અનેક આતંકીઓના ઠેકાણાઓ પણ નષ્ટ કરી દીધા છે. અગાઉ પાકિસ્તાન સામે ભારતે આતંકવાદી હુમલામાં આકરી કાર્યવાહી કરતા સિંધુ કરાર સમાપ્ત, અટારી ચેક પોસ્ટ બંધ કરવી અને વસ્તુઓની આયાત-નિકાસ પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે હાલમાં દેશમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોકડ્રીલના આદેશ બે દિવસ પહેલા આપ્યા હતા. જે અંતર્ગત આજે 7 મેએ ગુજરાતના 18 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાઈ છે.
ભુજમાં મોકડ્રીલ યોજાઈ
ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું છે. આ મોકડ્રીલમાં લોકોને હવાઈ હુમલા અને યુદ્ધ સ્થિતિ વિશે વાકેફ કરાયા છે. સિવિલ ડિફેન્સ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું છે અને વિવિધ સાયરન વગાડી લોકોને જરૂરી માગર્દશન આપ્યું છે. યુદ્ધ અને હવાઈ હુમલા કેવી રીતે જીવ બચાવી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.
સુરતમાં યુદ્ધ મોકડ્રીલનું આયોજન
ત્યારે સુરત જિલ્લામાં કલેક્ટર દ્વારા 3 સ્થળ પર મોકડ્રીલનું આયોજન કરાયું છે. ડુમસ રોડ પર આવેલા IBN સેન્ટર ખાતે મોકડ્રીલ યોજાઈ છે. આ ઉપરાંત હજીરા NCPT કંપનીમાં અને સચિન GIDCમાં કલર ટેક્સ મીલમાં મોકડ્રીલ યોજાઈ છે. આ સિવાય મોકડ્રીલ બાદ સાંજે 7:30થી 8 સુધી સુરતમાં બ્લેકઆઉટ કરાશે. બ્લેકઆઉટને લઈ સમગ્ર શહેરીજનોને જાગૃતતા અપાઈ છે. સુરત શહેર પોલીસ, સીઆઈએસએફના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો અને એનડીઆરએફની ટીમ સાથે મોકડ્રીલ યોજાઈ છે.
જામનગર, વડોદરા,અમદાવાદમાં મોકડ્રીલ કરાઈ
આ સિવાય રાજ્યના જામનગર, વડોદરા, અમદાવાદ, ભરૂચ, દ્વારકા સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં મોકડ્રીલ શરૂ કરાઈ છે. જામનગરના ખોડિયાર કોલોનીમાં આવેલા ક્રિસ્ટલ મોલમાં મોકડ્રીલ શરુ કરાઈ છે. શહેરના ક્રિસ્ટલ મોલમાં આવેલ થિયેટરમાં હુમલામાં લોકોને બચવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે. જામનગર પોલીસ, ફાયર, 108 સહિતની વિભાગીય ટીમ સ્થળ પર હાજર છે.









