ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં અત્યારે ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે રાજ્યમાં બે કલાકમાં 21 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. વરસાદના આગમનથી શહેરીજનોને ગરમીમાં આતંકથી છુટકારો મળ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ગામમાં પાણીનો ભરાવો થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામલો કરવો પડી રહ્યો છે. ભરઉનાળે રાજ્યમાં માવઠાનો માર જોવા મળતા ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત થયા છે.


રાજ્યમાં બે કલાકમાં 21 તાલુકામાં વરસાદ

રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે. આજે સવારથી જ સૂર્યદેવનો પ્રકોપ ઘટતા આકાશમાં વાદળા ઘેરાયેલા જોવા મળ્યા. 21 તાલુકામાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ છે. આજે સવારથી જ અંકલેશ્વરમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 1.5 ઇંચ, ઝગડિયામાં 1.25 ઇંચ, હાંસોટમાં 1.18 ઇંચ, ભરૂચમાં અડધો ઇંચ વરસાદ અને સુરતમાં, બારડોલી, સોનગઢમાં અડધો ઇંચ વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો તો ભાવનગરના તળાજા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદે તબાહી મચાવી.

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયકલોનિક સર્ક્યુલેશન થવાના કારણે રાજ્યમાં હવામાનમાં આ પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હજુ 27 મે સુધી વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. સામાન્ય રીતે મે મહિનામાં ગરમીનો પારો વધુ ઉંચો જોવા મળતો હોય છે. આ વખતે મે મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઉત્તરગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

  • Follow us on: