- સુનાવણી દરમિયાન કોર્ટે પૂછયું, અંતિમ રિપોર્ટ બાદ શું પગલાં લીધાં?
- વિધવા મહિલા, અનાથ બાળકોના પુનર્વસન, શિક્ષણ, રોજગારીની માહિતી માંગી
- હાઇકોર્ટે સરકારપક્ષને એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં સીટ દ્વારા અગાઉ રજૂ થયેલા અંતિમ રિપોર્ટ બાદ શું પગલાં લેવાયા તે અંગેનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા રાજય સરકારને નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા.8મી ડિસેમ્બરના રોજ મુકરર કરી હતી.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની ગત સુનાવણીમાં હાઇકોર્ટે ઓરેવા કંપનીને એવો પણ સવાલ કર્યો હતો કે, આ કેસમાં પીડિતોને માત્ર વળતર ચૂકવવું એ પૂરતું નથી, પરંતુ તમે જે મહિલાઓ વિધવા બની છે અને જે બાળકો અનાથ થયા છે તેમની રોજગારી, શિક્ષણ અને પુનઃવસન માટે શું કામગીરી કરી છે તે વિગતવાર કોર્ટને જણાવો. પીડિતો માટે શું કર્યું? હાઇકોર્ટે ઓરેવા કંપની અને સરકારપક્ષને આ મુદ્દે જવાબ રજૂ કરવા અગાઉ નિર્દેશ કર્યો હતો. દરમ્યાન આજે આ કેસની સુનાવણી હતી પરંતુ રાજય સરકાર તરફ્થી એડવોકેટ જનરલ અને મુખ્ય સરકારી વકીલ ઉપલબ્ધ નહી હોવાથી મદદનીશ સરકારી વકીલે સમયની માંગણી કરી હતી. હાઇકોર્ટે સરકારપક્ષને એકશન ટેકન રિપોર્ટ અંગે પૃચ્છા કરી આગામી મુદતે આ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.8મી ડિસેમ્બરે રાખી હતી. ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) દ્વારા પાંચ હજારથી વધુ પાનાનો દળદાર રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સીટના રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા કંપની જ મુખ્ય જવાબદાર ઠરે છે. ખાસ કરીને ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ અને તેના બે મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ સહિત સમગ્ર ઓરેવા કંપનીના મેનેજમેન્ટની જવાબદારી બનતી સ્પષ્ટ જણાય છે. ઓરેવા કંપનીની ગંભીરભૂલોના કારણે કલ્પના ના કરી શકાય તેવી માનવીય કરુણાંતિકા સર્જાઇ હતી.










