મોરબીમાં પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા પીએસઆઈને ટ્રકે અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પીએસઆઈ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવી પરત જતા હતાં તે દરમિયાન માતેલા સાંઢની જેમ આવેલા ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને પીએસઆઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.
ટ્રક ચાલકે તેમના વાહનને ટક્કર મારી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા PSI બી.આર.જાડેજાનું ગઈકાલે રાત્રે અકસ્માતમાં મોત નિપજ્યું છે. જાંબુડીયા ગામ પાસે ઓવરબ્રિજ નજીક ટ્રક ચાલકે તેમના વાહનને ટક્કર મારી હતી. મૂળ ભુજના મોટા રૈયા ગામના વતની જાડેજા મોરબી તાલુકા પોલીસ લાઈનના ક્વાર્ટરમાં રહેતા હતા. તેઓ ફરજ પરથી એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મોરબી-વાંકાનેર હાઈવે પર જાંબુડીયા ગામ પાસે ટ્રકે તેમના એક્ટિવાને ટક્કર મારી હતી.
ટાયર પીએસઆઈ જાડેજાના શરીર પર ફરી વળ્યું
આ અકસ્માતમાં ટ્રકનું ટાયર પીએસઆઈ જાડેજાના શરીર પર ફરી વળ્યું હતું. પીએસઆઈને અકસ્માતમાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ હેડ ક્વાટરમાંથી પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પીએસઆઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં DYSP, PI સહિત પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે ફરાર ટ્રક ચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે.









