- 1 લાખ પ્રત્યક્ષ, 2 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે
- નવસારીમાં 1141 એકર વિસ્તારમાં PM મિત્ર પાર્ક બનશે
- આત્મનિર્ભર ભારતનું નવું સીમા ચિન્હ બનશે તેવો મને વિશ્વાસ: CM
નવસારીના વાંસીબોરસીમાં પી.એમ. મિત્ર પાર્ક માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU થયા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજ્ય સરકારના મંત્રીઓ અને કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ટેક્ષ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોષ હાજર રહ્યા હતા. નવસારીમાં 1141 એકર પાર્કમાં PM મિત્ર પાર્ક બનશે. જેના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MOU સહી કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 7 રાજ્યોમાં ટેક્સ્ટાઇલ પાર્ક બનાવા જઈ રહ્યા છે જેમાંથી ગુજરાતની પસંદગી થઈ તે ગર્વની વાત છે. આત્મનિર્ભર ભારતનું નવું સીમા ચિન્હ બનશે તેવો મને વિશ્વાસ છે. આ માટેની તમામ વ્યવસ્થા અહીં એકજ સેન્ટર પર ઊભી કરવામાં આવશે અને તેના માટેનું કામ ઝડપથી શરૂ થઈ જશે.
ભૂપેન્દ્ર પટેલે સાથે જ કહ્યું કે, દેશમાં ડેનિમ કાપડનું ઉત્પાદન 60 % ગુજરાત કરે છે. જે આગામી સમયમાં વધુને વધુ થશે. તેમજ વર્ષ 2022 સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત બન્યું છે. જેનો પણ આગામી સમયમાં વધારો કરવામાં આવશે. તેમજ આ પાર્ક બનવાથી આગામી સમયમાં 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ નોકરીઓનું પણ સર્જન થશે.
આ ઉપરાંત PM મિત્રા પાર્ક માટે હજી પ્રારંભિક તબક્કામાં જ 6 ગણી અરજી પણ આવી છે. જેમાં લોકોની સૌથી વધુ પસંદગી દક્ષિણ ગુજરાતની રહી છે. તેના માટે ટેક્ષ્ટાઈલના તમામ ઉદ્યોગકારો દ્વારા ઇચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં એક અંદાજ મુજબ વર્ષ 2025 સુધીમાં 250 બિલિયન ડોલર થઈ જશે તેવી પણ ઉદ્યોગકારો પાસેથી અપેક્ષા રહેલી છે.









