ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે,ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે,ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ BJPની નીતિ છે.
સમાજના કલાકારોના નિર્ણયની સાથે રહીશ : ગેનીબેન
સાંસદ ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે,ઠાકોર સમાજના એકપણ કલાકારને સ્થાન ન આપ્યું તે સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે તો વિધાનસભાની મુલાકાતમાં વિક્રમ ઠાકોરને સ્થાન નહીં આપ્યું તેના કારણે વિક્રમ ઠાકોર નારાજ છે તેવી વાત સામે આવી છે.
જાણો શું હતો મામલો
થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ કલાકારને ના બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી.
લોકગાયક વિક્રમ ઠાકોરની નારાજગીને કીર્તિદાન ગઢવીની પ્રતિક્રિયા
લોકગાયક કીર્તિદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે,વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે,કલાકારોને કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી,કલા એ જ એમની જ્ઞાતિ અને ધર્મ છે તો વિધાનસભામાં કોઈને આમંત્રણ ન હતુ,સહજ આમંત્રણથી કલાકારો વિધાનસભા ગયા હતા.
કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયાઃ વિક્રમ ઠાકોર
વિક્રમ ઠાકોરે સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા છે. વિધાનસભામાં ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ બોલાવવામાં આવ્યા નથી. આ મુદ્દે ઠાકોર સમાજના નેતાઓએ પણ ધ્યાન આપવું જોઈએ. વિક્રમ ઠાકોરે કહ્યું કે મને ના બોલાવ્યો એનો વાંધો નથી પણ બીજા ઘણા ઠાકોર સમાજના સારા કલાકાર છે એમને બાકાત રખાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાતી કલાકારોને રાજ્ય સરકારે વિધાનસભામાં બોલાવ્યા હતા. ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના ઘણા કલાકારોને બોલાવ્યા હતા. વિધાનસભાની કાર્યવાહી જોવા માટે આ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.









