માતરના રધવાણજમાં શનિવારની રાત્રે એક મજૂર પરિવારના એકના એક જુવાનજોધ પુત્રની ગામના જ એક ઈસમે તલવારનો ઝાટકો મારી હત્યા કરી નાંખી હતી. પોલીસે ઈસમને ઝડપી પાડી હત્યાનું કારણ જાણવા માટે પુછતાછ હાથ ધરી હતી. જો કે પોલીસની તપાસ દરમિયાન હત્યાનું કારણ સામે આવી શક્યું ન હતું.


માતર તાલુકાના રધવાણજ સોનારપુરામાં રહેતા વિજયભાઈ પુંજાભાઈ ઠાકોરના 21 વર્ષીય પુત્ર ભાવિન શનિવારની રાત્રે તેના બે મિત્રો સાથે બહુચર માતાના મંદિર પાસે તાપણું કરતો હતો. દરમિયાન ગામનો જયેશ રમેશભાઈ ઠાકોર અચાનક બહુચરમાતાના દેરાએ મુકેલ તલવાર લઈ ભાવિન પાસે આવ્યો હતો અને કોઈ કંઈ સમજે તે પહેલાં જ તલવારના ઝાટકાથી ભાવિનનું માથુ ચીરી નાંખ્યું હતું. બનાવને પગલે ભાવિનના પરિવારજનોએ લોહીલુહાણ પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો.

જો કે ગંભીર ઈજાઓના કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ મામલે વિજયભાઈની ફરિયાદના આધારે જયેશ વિરુદ્ધ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશની અટક કરી હતી. જયેશે અચાનક ભાવિનની હત્યા કેમ કરી તે મામલે માતર પી.આઈ. પરમારે જણાવ્યું હતું કે પોલીસે પુછતાછ હાથ ધરી હતી. જો કે હત્યાનું કારણ તપાસમાં સામે આવી શક્યું ન હતું. બાદ પોલીસે જયેશને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે જયેશને જેલના સળિયા પાછળ ધકેલવાનો હુકમ કર્યો હતો.


  • Follow us on: