યાત્રાધામ ડાકોર મંદિરમાં તા.14મીએ હોળી (ફાગણી પૂનમ મેળો) પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. ઉત્સવને લઇને મંદિરમાં તા. 13 અને 14મીએ ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા. 13 મીએ વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી અને તા. 14મીએ વહેલી સવારે 4 કલાકે મંગળા આરતી થશે.
ડાકોરમાં સોમવારે આમલકી એકાદશીથી શુક્રવારે પૂર્ણિમા સુધી પાંચ દિવસીય હોળી ફાગણી પૂનમ મેળો યોજાશે. આ ઉત્સવના દર્શનનો લાભ લેવા અમદાવાદ સહિત રાજયભર માંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો સહિત શ્રાદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડશે. ઉત્સવને લઇને ડાકોર મંદિર અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.પાંચ દિવસના મેળામાં રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ભક્તોનું
ડાકોર રણછોડરાયજી મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું. કે, રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી (શ્રીકૃષ્ણ) સાથે હોળી રમવાના ભાવ સાથે રાજયભરમાંથી દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. દર્શનાર્થીઓ મંદિરમાં ભગવાન સન્મુખ અબીલ ગુલાલની છોળ ઉડાડી હોળી રમ્યાના ભાવ પ્રગટ સાથેના દર્શનનો લાભને ધન્યતા અનુભવે છે. દર્શનાર્થીઓને દર્શનમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા. 13મીએ ગુરૂવારના રોજ હોળી દહનના દિવસે મંદિર વહેલી સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલશે. સવારે 5 કલાકે મંગળા આરતી થશે. સવારે 5 થી 7.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે 7.30 થી 8 વાગ્યા સુધી ભગવાન બાલભોગ, શૃંગારભોગ, ગોવાળભોગ આરોગવા બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે. સવારે 8 વાગે શણગાર આરતી સમયે દર્શન ખુલીને બપોરે 1.30 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 1.30 થી 2 વાગ્યા સુધી શ્રીઠાકોરજી રાજભોગ આરોગવા માટે બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે અને બપોરે 2 કલાકે રાજભોગ આરતી થઇને સાંજે 5.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજે 5.30 થી 6 વાગ્યા સુધી ભગવાન પોઢી જશે અને આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. સાંજે 6 કલાકે ઉત્થાપન આરતી દર્શન ખુલીને સાંજે 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 8 થી 8.15 ભગવાન શયનભોગ આરોગવા બિરાજશે અને આ સમયે દર્શન બંધ. સાંજે 8.15 કલાકે શયનઆરતી દર્શન ખુલીને શ્રીજી સખડી ભોગ આરોગીને અનુકૂળતાએ પોઢી જશે અને મંદિર દંર્શન બંધ થઇ જશે. તા. 14મીના રોજ શુક્રવારે ફાગણી પૂનમ (દોલોત્સવ)ના દિવસે વહેલી સવારે 3.45 કલાકે નિજ મંદિર ખુલશે. વહેલી સવારે 4 કલાકે મંગળાઆરતી સાથે દર્શન ખુલીને સવારે 8.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે 8.30 થી 9 વાગ્યા સુધી ભગવાન બાલભોગ, શૃંગારભોગ, ગોવાળભોગ આરોગવા બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે. સવારે 9 વાગે શણગાર આરતી થશે અને સમયે શ્રીજીના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજને ફૂલડોળમાં બિરાજમાન કરાવીને બપોર 1 વાગ્યા સુધી ફૂલદોલોત્સવ ઉજવાશે અને બપોરે 2 વાગ્યા સુધી દર્શન થશે. બપોરે 2 થી 3.30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે અને ભગવાન રાજભોગ આરોગવા બિરાજશે અને 3.30 વાગે દર્શન ખુલી રાજભોગ આરતી થશે. સાંજે 4.30 કલાક સુધી દર્શન થશે. સાંજે 4.30 થી 5.15 વાગ્યા સુધી ભગવાન પોઢી જશે અને આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. સાંજે 5 કલાકે નિજ મંદિર ખુલીને સાંજે 5.15 કલાકે ઉત્થાપન આરતી દર્શન થશે. અને સાંજે 5.15 વાગ્યા થી નિત્યાક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગીને ભગવાન અનુકૂળતાએ પોઢી જશે તેમ મંદિરના સૂત્રોએ ઉમેર્યું હતું.
તા.13 અને 14 બે દિવસ 7 લાખ ઉપરાંત શ્રાદ્ધાળુઓ દર્શન કરશે
ડાકોરમાં હોળી પૂનમને લઇને તા. 13 અને 14(બે દિવસ) ભકતોનો મહેરામણ ઉમટી પડશે. દર્શનાર્થીઓ વહેલી સવારથીજ મંદિર ખાતે પહોંચી જશે. આ બે દિવસ મંદિર તરફના સમગ્ર માર્ગો ઉપર ભકતોના પ્રવાહથી છલકાઇ જશે.આ બે દિવસમાં અંદાજે 7 લાખ ઉપરાંત દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેશે. દર્શનાર્થીઓને કોઇ મુશ્કેલીઓ ન પડે તે માટે ગોઠવેલા આડબંધ માંથી ક્રમશ : ખોલીને ભકતોને મંદિરના દ્વાર તરફ આગળ જવા દેવામાં આવશે. આ મેળાને લઇને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.