નડિયાદ નજીક શનિવારે સાંજના સુમારે દારૂ પીને વાહન હંકારનાર બે ઈસમોએ એક અકસ્માત સર્જયો હતો. સદ્નસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પોલીસે બંનેની અટક કરી ગુનો નોંધી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદના પેટલાદમાં રહેતા તાહીનાશ અહેમદશા દિવાન તા.8મી ફેબ્રુઆરીએ નડિયાદથી તેમની નોકરી પૂર્ણ કરી સાંજના સુમારે બાઈક લઈને પરત ઘરે જતા હતા. દરમિયાન નડિયાદના કેરીયાવી, આખડોલ રોડ પર કેરીયાવી ગામના બસ સ્ટેન્ડ નજીક એક ફોર વ્હીલરે કોઈક વાહનની ઓવરટેક કરવા જતા તેમની બાઈકને ટકકર મારી હતી. જેથી તાહીનાશભાઈ રોડ પર પટકાયા હતા. તેમને હાથે અને પગે ઈજા પહોંચી હતી. બનાવને પગલે સ્થાનિકોના સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે 108ને કોલ કરીને ઈજાગ્રસ્તને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. અને સ્થાનિકોએ અકસ્માત સર્જનાર ગાડીમાં સવાર બે ઈસમો ચિરાગ રાજુભાઈ દવે અને વિશાલ શ્યામલાલ મેકવાન(બંને રહે. મહેમદાવાદ સરદારનગર)ને અટકાવી બનાવ મામલે નડિયાદ રુરલ પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરત જ સ્થળ પર પહોંચી બંનેને ઝડપી પાડયા હતા. જો કે બંને તેમની શરીરની સ્થિતિ સંભાળી શકે તેવી હાલતમાંન હતા. મોઢામાંથી પુષ્કળ દારુ પીધેલાની વાસ પણ આવતી હતી. બંનેની પુછતાછ કરતાં બંનેમિત્રો હોવાનું અને મહેમદાવાદથી આણંદ જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંને વિરુદ્ધ અકસ્માત, દારૂ પીને વાહન હંકારવું, અને નશો કરેલ હાલતમાં જાહેરમાં લથડિયા ખાતા પકડાવવા મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.










