માતરના રધવાણજમાં રહેતા એક મજૂર પરિવારના એકના એક પુત્રની શનિવારે રાત્રીના સુમારે ગામના એક ઈસમે તલવારનો ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ માતર તાલુકાના રધવાણજ સોનારપુરામાં રહેતા વિજયભાઈ પુંજાભાઈ ઠાકોરે આ મામલે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે શનિવાર રાત્રીના સુમારે તેમનો દિકરો જમી પરવારીને બહુચર માતાના મંદિરે બેસવા ગયો હતો. દરમિયાન ગામમાં રહેતા રમેશ ઉર્ફે કાભઈ આશાભાઈ ઠાકોરનો દિકરો જયેશ તેના ઘરે ધમાલ કરતો હોવાથી બધા જોવા ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ વિજયભાઈ ઘરે ઉંઘવાની તૈયારી કરતાં હતા. અચાનક ઘરના પાછળના ભાગેથી જયેશે ભાવિનને તલવાર મારી હોવાની બુમો સંભળાતા વિજયભાઈ તથા તેમના પરિવારના સભ્યો બહુચર માતાના મંદિરે પહોંચી ગયા હતા. જ્યાંતેમનો દિકરો ભાવિન (ઉં.વ.21) લોહીલુહાણ હાલતમાં ખાટલામાં પડેલ હતો. તેના માથાના પાછળના ભાગે મોટો ચીરો પડેલ હતો. ભાવિનના મિત્રોએ સુનિલ અને નરેશે જણાવ્યું હતું કે તેઓ ત્રણેય જણા તાપણું કરી બેઠા હતા. તે વખતે અચાનક જયેશ રમેશભાઈ ઠાકોર બહુચરમાતાના દેરાએ મુકેલ તલવાર લઈ આવી ભાવિનના પાછળના ભાગે તલવારનો ઝાટકો મારી દીધો હતો. ભાવિનને તુરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. વિજયભાઈએ આ મામલે જયેશ ઠાકોર વિરુદ્ધ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરનાર માતર પી.આઈ. કેવલ ભીમાણીએ જણાવ્યું હતું કે જયેશ ઠાકોરની અટક કરી છે, તેણે હત્યા કેમ કરી તે મામલે હાલ પુછતાછ ચાલુ છે.










