• રાંદેરનું દંપતી નોકરીએ ગયા બાદ બાળકને પછાડતાં બ્રેઈન હેમરેજ થયું હતુ
  • આયાને ચાર વર્ષ કેદની સજા તેમજ વિવિધ કલમ હેઠળ છ હજાર રૂપિયાનો દંડ
  • બનાવ બાદ સ્પાઈ કેમેરો ચેક કરાતા આયા કોમલની કરતૂત બહાર આવી

શહેરના રાંદેર રોડ ખાતે એક આઠ વર્ષના બાળકને રાખવા માટે રખાયેલી આયા દ્વારા બાળકને શાંત રાખવા માટે માર મારવા તેમજ પછાડી પછાડીને માર મારતા ત્રણ બ્રેઈન હેમેરેજ થવાના કેસમાં કોર્ટે આયાને ચાર વર્ષ કેદની સજા તેમજ વિવિધ કલમ હેઠળ છ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કેસમાં રાંદેર પાલનપુર જકાતનાકા પાસે રહેતા મીતેશ પટેલ અને તેમના પત્ની શિવાની બંને નોકરી કરતા હોય બાળકની સંભાળ માટે કોમલ પ્રવીણ તાંદલેકરને આયા તરીકે રાખી હતી. જે બાળકને સાચવવાને બદલે તેંને માર મારતી હોવાની ફરિયાદ સૌ પ્રથમ પાડોશીઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ગત તા. 3-2-22ના રોજ ફરીથી પાડોશી મહિલા દ્વારા શિવાની બહેનને આયા તેમના બાળકને માર મારતી હોવાની જાણ કરતો ફોન કર્યો હતો. જે બાદ દંપતીએ ઘરમાં સ્પાય કેમેરો ફીટ કરાવ્યો હતો. જેમાં બીજા જ દિવસે આયા કોમલ ફરી બાળકને માર મારતી હોવાનું જણાયું હતું. બનાવના દિવસે બાળ નિરવાન (ઉ.વ. 8) બેભાન થઈ જતાં આયાએ તેંની માતા શિવાનીને ફોન કરી બાળક બોલતો નહીં હોવાનું તેમજ હલન ચલન નહીં કરતો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે શિવાનીબહેનના સગા તેમને તત્કાળ હોસ્પિટલ લઈ ગયા હતા. જયાં બાળકને માથાનાં ભાગે બ્રેઈન હેમરેજ તેમજ ત્રણ જગ્યાએ માર વાગ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. બનાવ બાદ સ્પાઈ કેમેરો ચેક કરાતા આયા કોમલની કરતૂત બહાર આવી હતી અને તેં સ્પષ્ટ પણે બાળકને માર મારતી હોવાનું કાન ખેંચતી હોવાનું તથા વારંવાર પટકતી હોવાનું નજરે પડતાં પરિવાર ચોંકી ગયો હતો.

આ કેસમાં સરકાર તરફે એ.પી.પી. નીતિન ચોરવડીયા દલીલમાં જણાવાયું હતું કે, માસુમ બાળક ઉપર આવો અત્યાચાર કોઈ રાક્ષશ જ કરી શકે આ કૃત્યને હળવાશથી સાંખી લેવાય નહીં. જયારે એડીશનલ સેશન્સ જજ અનિલ મલિકે પણ કેસ સ્પષ્ટ રીતે પુરવાર થતો હોવાનું જણાવતા મહિલા આરોપી આયા કોમલને ચાર વર્ષની કેદની સજા ફટકારી હતી.


  • Follow us on: