નર્મદા જિલ્લામાં બની બેઠેલા બોગસ પત્રકારોએ કહેર મચાવ્યો છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ બોગસ પત્રકારોનો શિકાર બની રહ્યા છે. પણ કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. ત્યારે એક તબીબના કમ્પાઉન્ડર પાસે રૂા.2.30 લાખનો નાણાં પડાવનારા કહેવાતા પત્રકારો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, જે બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.


નાંદોદ તાલુકાના ભદામ ખાતે ડો. વિષરૂકાન્ત કંસારાના નીલકંઠ દવાખાનામાં ડો. વિષરૂકાન્ત કંસારાની ગેરહાજરીમાં અબુ મુલ્લા, ખાલિદ શેખ તથા અન્ય એક ઈસમ આશરે 15 વર્ષના છોકરાને ખંજવાળ આવતી હોવાની ફરિયાદ સાથે પેશન્ટ તરીકે લાવ્યા હતા.

ત્યારે ક્લિનિકમાં મદદનીશ તરીકે ફરજ બજાવતા જયેશ શિવલાલ પટેલે ડો.વિષરૂકાન્ત કંસારાની સલાહથી સીટ્રાઝીન ટેબ્લેટ 5 દિવસ માટે આપી હતી. ત્યારે અબુ મુલ્લા, ખાલિદ શેખે સ્ટિંગ ઓપરેશન કરી વીડિયોગ્રાફી કરી લીધી હતી. ત્યાર બાદ ત્રીજા દિવસે અબુ મુલ્લા, ખાલિદ શેખ પોતાની પત્રકાર તરીકેની ઓળખ બતાવી ક્લિનિક પર આવ્યા હતા.

અને જયેશ શિવલાલ પટેલને જણાવ્યું હતું કે, તમે આ બધું ડિગ્રી વગર કરો છો. તમારા વિરુદ્ધ અમે ન્યૂઝ બનાવીશું, તમારૂ દવાખાનું બંધ કરાવી દઈશું એવી ધમકી આપતા જણાવ્યું હતું કે, તમારે આ ઝંઝટમાંથી બચવું હોય તો અમને રૂા. 5 લાખ આપી દો. અંતે બદનામીના ડરથી જયેશ શિવલાલ પટેલે એમને અલગ અલગ સમયે કુલ રૂા.2 .030 લાખ આપ્યા હતા.

સાથે સાથે સ્ટિંગ કરેલો વિડીયો ડિલીટ કરવા દર મહિને 10 હજાર આપવા જણાવ્યું હતું. જેની જયેશ શિવલાલ પટેલે ના પાડતા અબુ મુલ્લા, ખાલિદ શેખ ગુસ્સે થઈ ધમકી આપી હતી કે, નહીં આપે તો, તને જાનથી મારી નાખીશું.

સાથે એમ પણ કહ્યું હતું કે, વીડિયો ડિલીટ કરવો હોય અને મામલો પતાવવો હોય તો બીજા 1 લાખ રૂપિયા આપવા પડશે. નહી આપે તો, તારા ખાનદાનને પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ એમની આ ધમકીથી ડરી ગયેલા જયેશ શિવલાલ પટેલે આ બે તોડબાજ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ પોલીસ સી.સી.ટી.વી ફૂટેજને આધારે આરોપીઓને શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

નાંદોદ પોલીસે સમગ્ર બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


  • Follow us on: