- બે તાલુકાની દુકાનના સંચાલકોના રૂા. 17 લાખ અટવાયા
- ગાંધીનગરથી દાળનો જથ્થો આપતા પહેલાં સેમ્પલ કેમ ન ચેક કરાયા
- નસવાડી ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં ફળવેલ તુવર દાળના જથ્થાના સેમ્પલ ફેલ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 2 સરકારી ગોડાઉનમાં ફળવવામાં આવેલ તુવર દાળના જથ્થાનું સેમ્પલ ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલતા તે જથ્થાનો સેમ્પલ ફેલ આવતા દાળનું વિતરણ અટકાવવામાં આવ્યું છે. 2 તાલુકાના સસ્તા અનાજ સંચાલકોના 17 લાખ રૂપિયા અટવાયા છે. જયારે ગાંધીનગરથી જથ્થો આપતા પહેલા દાળના સેમ્પલ કેમ ચેક ના કરાયા તેવી રાજ્ય સરકારના અધિકારીઓની બેદરકારી બહાર આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલી 42 જેટલી સસ્તા અનાજ ની દુકાનો માટે 200 ક્વિન્ટલ દાળનો જથ્થો સરકારી ગોડાઉનમાં ફળવાયો હતો. તે રીતના કવાંટ તાલુકાની 73 જેટલી સસ્તા અનાજની દુકાનો માટે 149 ક્વિન્ટલ દાળ નો જથ્થો ફળવાયો હતો. જે જથ્થો ગોડાઉનમાં ફળવવામાં આવે તે જથ્થાને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. જેમાં નસવાડી ગોડાઉન મેનેજર તેમજ કવાંટના ગોડાઉન મેનેજર દ્વારા આ તુવર દાળના જથ્થાના સેમ્પલ ફૂડ રિસર્ચ વિભાગની લેબોરેટરીમાં સેમ્પલ મોકલ્યા હતા. તે સેમ્પલ ટેસ્ટિંગ તુવર દાળ ખાવા લાયક ના હોવાનું બહાર આવતા હાલ નસવાડી તાલુકાના તેમજ કવાંટ તાલુકાના 115 જેટલી સસ્તા અનાજના દુકાન સંચાલકોએ જથ્થો મેળવવા માટે 17 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તે નાણાં અટવાઈ ગયા છે જયારે રેશનકાર્ડ ગ્રાહકોને પણ આ તુવર દાળ નો જથ્થો સમયસર મળે નહિ બીજી તરફ્ સવાલ એ પણ થઇ રહ્યો છે કે જે જગ્યા ઉપરથી તુવર દાળ સરકારે ખરીદી ત્યાં સેમ્પલ કેમ ટેસ્ટિંગ કરવામાં ના આવ્યા સાથે જિલ્લા મથકે દાળ નો જથ્થો જયારે તાલુકા મથકના ગોડાઉનો સુધી ફળવવામાં આવ્યો અને તાલુકા મથકના ગોડાઉન મેનેજર દાળનો જથ્થો ટેસ્ટિંગમાં મોકલ્યો ત્યારે સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટના ગોડાઉન મેનેજરો દાળનું વિતરણ અટકાવી દીધું છે. જયારે હાલ તો સસ્તા અનાજ સંચાલકોના નાણાં ફ્સાઈ ના જાય તે માટે દાળનો જથ્થો ઝડપ થી ફળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.










