નવસારી રેલવે સ્ટેશન પાસેના વિજલપોર રેલવે ફાટક નજીક કર્ણાવટી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસેલ સુરતના શિક્ષકના હાથમાં રહેલા મોબાઇલ ફોન અને બેગ ઝૂંટવવા માટે સ્નેચરે કરેલી કોશિશ દરમિયાન શિક્ષક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા તેમના બન્ને પગ ટ્રેન નીચે આવી જતા તેમનો ડાબો પગ કાપવો પડયો હતો. જ્યારે જમણા પગે ગંભીર ઇજા પહોંચી હતી.


રાજેશભાઇ મકુજીભાઇ ધનધુકીયા (ઉં.વ. 36, રહે. એ-403, વૈભવ એપાર્ટમેન્ટ, નાના વરાછા, સુરત) ભરૂચ જિલ્લાના દહેજ ખાતે પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હાલમાં તેમની બદલી પારડી તાલુકાના વાઘછીપા ગામની શાળામાં થતા તેઓ તા.18ના રોજ સવારે સુરતથી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં વલસાડ જવા નીકળ્યા હતા. ભારે ભીડના કારણે તેઓ દરવાજાની પાસે બેઠા હતા. સવારે પોણા નવ વાગ્યાના અરસામાં ટ્રેન ધીમી ગતિએ નવસારી રેલવે સ્ટેશનથી આગળ વિજલપોર આંબેડકર નગર પાસેથી પસાર થતી હતી તે વખતે ટ્રેનના પાટા પાસે ઊભા રહેલા ચાર પૈકી એક ઇસમે દરવાજા પાસે બેસી ફોન ઉપર વાતચીત કરી રહેલા રાજેશભાઇના હાથમાંથી ફોન અને બેગ ખેંચતા ફોન નીચે પડયો હતો. જ્યારે તેમના હાથમાં રહેલી બેગ સ્નેચરના હાથમાં ભેરવાઇ જતા તેઓ ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા તેમના બન્ને પગ ટ્રેન નીચે આવી ગયા હતા. સ્નેચરોની કરતૂતોના કારણે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા બન્ને પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પામેલા રાજેશભાઇને નવસારી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં ઓપરેશન દરમિયાન તેમનો ડાબો પગ ઘૂંટણ નીચેથી કાપી નાંખવામાં આવ્યો હતો. જ્યારે જમણા આખા પગે પ્લેટ અને સળિયાઓ નાંખવામાં આવ્યા હતાં. આ અંગે વલસાડ રેલવે પોલીસે ચાર અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. સુરતમાં ભાડાના મકાનમાં રહેતા અને પરિવારના આધારસ્થંભ રાજેશભાઈ કાયમી અપંગ બનતા પરિવારના ગુજરાનનો પ્રશ્ન થયો છે.


  • Follow us on: