ગુજરાતમાં નેશનલ કેડેટ કોર્પ્સનો વિસ્તાર થઈ રહ્યો છે, જેમાં યુવાનો NCCમાં કેડેટ તરીકે જોડાઈ રહ્યા છે અને ભૂતપૂર્વ સૈનિકો વિવિધ હોદ્દાઓ પર સ્ટાફ તરીકે જોડાઈ રહ્યા છે. આ સંદર્ભમાં NCC ડિરેક્ટોરેટ ગુજરાત યુવાનોને 2025-2026માં NCCમાં નોંધણી કરાવવા માટે તૈયાર રહેવા અપીલ કરી રહી છે.


વડાપ્રધાન મોદીએ NCCની તાકાત વધારવા પર મુક્યો હતો ભાર

આ યુવાનો માટે સૌથી મોટા ગણવેશધારી યુવા દળમાં જોડાવાની અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની તક છે. ગુજરાતમાં NCC આગામી 3 વર્ષમાં કુલ 89 ભૂતપૂર્વ સૈનિકો (ESM) અને 2025-2026માં 29 ભૂતપૂર્વ સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ વિસ્તરણ રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત છે. ઉલ્લેખનીય છે કે પીએમ રેલી દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આ સૌથી મોટા ગણવેશધારી યુવા દળની પ્રશંસા કરી હતી અને NCCની તાકાત વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

રિપબ્લિક ડેની પરેડમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા NCC કેડેટસનું રાજભવનમાં સન્માન કરાયું હતું

દેશના પ્રત્યેક યુવાનમાં સૈનિકભાવ પ્રગટે તો આપણું રાષ્ટ્ર વધુ સમર્થ બને. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં NCCના તેજસ્વી કેડેટ્સના સન્માનમાં યોજાયેલા 'એટ હૉમ' કાર્યક્રમમાં કહ્યું હતું કે, NCCથી યુવાનોમાં અનુશાસન, દેશભક્તિનો ભાવ, સેવાભાવ અને રાષ્ટ્ર પતિ સમર્પણનો ભાવ પ્રગટે છે. યુવાનો જવાબદાર નાગરિક બને છે. આજે દેશને NCCની વિશેષ જરૂર છે.

દાદરા-નગર હવેલી, દમણ અને દિવના NCC કેડેટ્સના સન્માનમાં રાજભવનમાં આજે 'એટ હૉમ' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવીજી, ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસશેરિયા, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, NCCના અધિક મહાનિદેશક મેજર જનરલ રાય સિંહ ગોદારા અને રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપબ્લિક ડે પરેડ માટે 124 કેડેટ્સ પસંદ કરાયા હતા

ગુજરાતના લગભગ 75,000 NCC કેડેટ્સમાંથી રિપબ્લિક ડે પરેડ માટે 124 કેડેટ્સ પસંદ કરાયા હતા. આ 124 યુવાન કેડેટ્સે નવી દિલ્હીમાં રિપબ્લિક ડે પરેડ કેમ્પમાં એક મહિના દરમિયાન સઘન પ્રશિક્ષણ મેળવ્યું હતું. યુવા NCC કેડેટ્સને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, NCCના દીકરા-દીકરીઓ અન્ય વિદ્યાર્થીઓ કરતાં અલગ હોય છે, તેમનું સ્વયં શિસ્ત, દેશભક્તિની ભાવના, દરેક વ્યક્તિ પ્રતિ આદરભાવ, સહયોગની ભાવના, એકતા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ તેમને આદર્શ અને જવાબદાર નાગરિક બનાવે છે. જે આવનારા સમયમાં રાષ્ટ્ર માટે મજબૂત સહયોગી બનશે.


  • Follow us on: